બિંદીનો બદલાયેલો ટ્રેન્ડ

આધુનિક યુગમાં સુંદર દેખાવા માટે મેકઅપ જેટલો જરૃરી છે તેટલી જ બિંદી પણ મહત્ત્વની છે. એક નાનકડી બિંદી તમારા ચહેરા પર ચાર ચાંદ લગાવી દે છે. લગ્નપ્રસંગ હોય કે કોઈ તહેવાર, બિંદીનું મહત્ત્વ આજે પણ ઘટ્યું નથી. બિંદી અંગે ટિપ્સ આપતાં મેશ્વા બ્યુટી પાર્લરનાં ઉશ્મીતા પટેલે જણાવ્યું કે, ‘સામાન્ય રીતે રેગ્યુલર વપરાશ એટલે કે કોલેજ કે ઓફિસ જતી યુવતીઓ મોટા ભાગે તૈયાર બિંદી વાપરવાનું વધુ પસંદ કરે છે. કેટલીક યુવતીઓ કે જે ડિઝાઇનર બિંદી માટે દરરોજ સમય ફાળવી શકતી હોય તે નાની મોટી ડિઝાઇન પણ રૃટિનમાં કરી લેતી હોય છે. પ્રસંગ અને પોશાકને અનુરૃપ બિંદીની ડિઝાઇન પસંદ કરાય છે. સાથે સાથે ચહેરાનો આકાર પણ ધ્યાને લેવો એટલો જ જરૂરી છે.’

બિંદીની પસંદગી
ટ્રેડિશનલના પોશાક સાથે મોટી સાઈઝની બિંદી વધુ પસંદ કરાય છે. જો તૈયાર બિંદી લગાવો તો મોટી સાઈઝની લેવી અથવા જો ડિઝાઇનર બિંદી કરાવવા માગતા હોવ તો તૈયાર નાની બિંદી લગાવીને તેની આસાપસ વિવિધ પ્રકારની ટ્રેડિશનલ કે અન્ય અવનવી ડિઝાઇન કરી શકાય. તહેવાર કે પછી લગ્નપ્રસંગ માટે તૈયાર થવાનું હોય ત્યારે મોટા ભાગે કરાતી ડિઝાઇનર બિંદીમાં વ્હાઈટ, ગોલ્ડન, રેડ, ગ્રીન, યેલ્લો જેવા ટ્રેડિશનલ કલર વધુ પસંદ કરાય છે. ખાસ કરીને પરંપરાગત પોશાક સાથે નાની મરૃન રંગની તૈયાર ગોળ બિંદી લગાવી તેની આસપાસ વ્હાઈટ કે લાઈટ ગ્રીન કલરથી ડિઝાઇન કરવાનો ટ્રેન્ડ ઈન છે. યુવતીઓ વોટરપ્રૂફ બિંદી કરાવાનો આગ્રહ વધુ રાખે છે.

લગ્નપ્રસંગ માટે બિંદીની પસંદગી
લગ્નપ્રસંગ પર બિંદીની સાથે સાથે કપાળ પર પીર તાણવામાં આવે છે. અગાઉ આંખની આસપાસથી શરૃ કરીને બંને આઈબ્રો ઉપરના ભાગ સુધી પીર તાણવામાં આવતી હતી, પરંતુ હવે સમય પ્રમાણે તેમાં બદલાવ આવ્યો છે. હવે દુલ્હન આખી પીર તાણવાનો બદલે માત્ર આઈબ્રોની ઉપરના ભાગે અથવા આંખની બંને બાજુ પર અવનવા રંગોમાં અને અવનવી ડિઝાઇનમાં પીર કરાવે છે. પીરની સાથે સાથે ડિઝાઇનર બિંદી તો ખરી જ. દુલ્હન માટે તેના પોશાકને અનુરૂપ બિંદી પસંદ કરાય છે.

ચહેરાના શેપ મુજબ બિંદીની પસંદગી
* ગોળ, મોટો ચહેરો હોય તો મોટી ગોળ બિંદી

* નાનો ચહેરો હોય તો ટ્રાયેંગલ બિંદી
* લંબગોળ ચહેરો હોય તો લાંબી ડિઝાઇનની બિંદી
* ત્રિકોણાકાર ચહેરો હોય તો ઓવલ શેપની બિંદી
* સ્ક્વેર ચહેરો હોય તો લાંબી ડિઝાઇનની બિંદી

સ્પાર્કલની ફેશન ઈન
જ્યારે ડિઝાઇનર બિંદીની વાત આવે ત્યારે પસંદગીને અવકાશ મળે છે. હાલ ડિઝાઇનર બિંદીમાં સ્પાર્કલ એટલે કે કલરફુલ ડાયમંડનો ક્રેઝ છે. ગોલ્ડને કે વ્હાઈટ સ્પાર્કલની આસપાસ વિવિધ રંગોમાં તૈયાર કરાયેલી ડિઝાઇનર બિંદીની ફેશન ઈન છે.

બિંદી દૂર કરવા માટે

* જો તૈયાર બિંદી લગાવવી હોય તો તેને દૂર કર્યા બાદ તે ભાગને સાબુ કે ડેટોલથી સાફ કરવો જોઈએ.
* ડિઝાઇનર બિંદી કરી હોય ત્યારે વોટરપ્રૂફ કલરનો વપરાશ કરાયો હોવાથી તે દૂર કરવા માટે મેકઅપ રીમુવરનો ઉપયોગ કરો. દૂર કર્યા બાદ ડેટોલથી સાફ કરો.
* જો બિંદી દૂર કર્યા બાદ તે ભાગ પર લાલ ચકામા જેવું લાગે કે ખંજવાળ આવે તો તરત જ સ્કિન સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરો અને થોડા દિવસો સુધી બિંદી લગાવવાનું ટાળો. તેમજ જે બિંદી લગાવવાથી ચકામા થયા હોય તે બિંદી કે રંગોનો વપરાશ ફરી કરવાનું ટાળો.

સોનલ અનડકટ

You might also like