તામિલનાડુના રાજકારણમાં ફેરફારઃ ભાજપ-કોંગ્રેસ ફાવશે?

તામિલનાડુમાં ભારે હંગામા વચ્ચે આખરે પલાનીસામીએ મુખ્યપ્રધાન તરીકે હોદો સંભાળી લીધો છે જયલલિતાના નિધન બાદ થોડા જ સમયમાં રાજ્યના બદલાયેલા રાજકારણથી આગામી દિવસોમાં રાજયમાં નવા સમીકરણ રચાય તેવા અેંધાણ વર્તાઈ રહ્યાં છે. શશિકલાએ મુખ્યપ્રધાન માટે દાવો કરતાં તેમની સામે પનીરસેલવમે પણ તેમની પાસે વધુ ધારાસભ્યો હોવાના દાવા સાથે રાજ્યપાલ સમક્ષ તેમને બહુમત સાબિત કરવાની તક આપવા રજૂઆત કરી હતી.
જોકે આખરે શશિકલાને આવકથી વધુ સંપત્તિના કેસમાં ચાર વર્ષની જેલ થતાં શશિકલાએ નવો દાવ અજમાવી પનીરસેલવમને પક્ષમાંથી કાઢી મૂકતાં તેમણે પલાનીસામીને મુખ્યપ્રધાનના દાવેદાર બનાવી અંતે તેમની ઈચ્છા મુજબ જ તામિલનાડુના મુખ્યપ્રધાન તરીકે તેમના જ માનીતા ગણાતા પલાનીસામીની તાજપોશી કરાવતાં હવે એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં તામિલનાડુના રાજકારણમાં વળાંક આવશે.

જોકે આ બાબતે એવું કહેવાય છે કે શશિકલાએ જે રીતે તેમની ઈચ્છા મુજબ મુખ્યપ્રધાન તરીકે પલાનીસામીની તાજપોશી કરાવી છે ત્યારે શશિકલાના આ નિર્ણય સામે સક્રિય બનેલું બીજું જૂથ શાંત નહિ બેસે. બીજી તરફ ડીએમકે પણ રાજ્યમાં ઊભી થયેલી રાજકીય અસ્થિરતાનો લાભ લેવા માટેના પૂરતા પ્રયાસ કરશે. તો બીજી તરફ અન્ય રાષ્ટ્રીય પાર્ટીઓ પણ આ બાબતે સક્રિયતા દાખવશે તેમ લાગે છે. કારણ પનીરસેલવમ પાછળ ભાજપનંુ બેકિંગ હોવાનું કહેવામાં આવશે. તે રીતે જોતાં હાલ ભલે પલાનીસામીએ મુખ્યપ્રધાનનો ચાર્જ સંભાળી લીધો હોય પણ આગામી દિવસોમાં હજુ પણ તામિલનાડુના રાજકારણમાં નવા સમીકરણો રચાય તેવી પૂરેપૂરી શકયતા છે. ભાજપ દક્ષિણ ભારતમાં તેનું સ્થાન મજબૂત કરવા વિવિધ તરકીબો અજમાવે તેવી શકયતા છે.

રાજ્યના કેટલાક વિસ્તારો હાલ દુષ્કાળનો સામનો કરી રહ્યા છે ત્યારે પલાનીસામી માટે આ બાબત સૌથી મોટા પડકાર સમાન બની રહેશે. બીજી તરફ ડીએમકે પણ આ તકનો લાભ લેવા માટે પૂરતા પ્રયાસ કરશે. પનીરસેલવમ પર જયલલિતાનું દબાણ રહેતું હતું તો હવે પલાનીસામી પર શશિકલાનું દબાણ રહેશે. તેથી પલાનીસામી માટે હાલ શશિકલાના પ્રતિનિધિ તરીકે શાસન સંભાળવાની મોટી સમસ્યા બની રહેશે. એઆઈએડીએમકેએ રાજ્યમાં તેની સારી ઈમેજ બનાવી છે. ત્યારે હવે બદલાયેલી સ્થિતિમાં હાલ શશિકલા જેલમાં છે ત્યારે પલાનીસામીને મુખ્યપ્રધાનની જે જવાબદારી મળી છે તેમાં તેઓ તેમની રીતે કેટલા સફળ થાય છે તે પણ જોવાનું રહેશે. જોકે નવાઈની વાત એ છે કે રાજ્યમાં સતારૂઢ અને વિપક્ષ એમ બંને સંકટનો સામનો કરી રહેલ છે. તેમને જનાધાર ગુમાવવાનો સતત ડર છે ત્યારે રાજયમાં જો કોઈ વિકટ સમસ્યા ઊભી થાય તો તેનો સામનો કેવી રીતે કરવો તે બંને પક્ષ માટે પડકાર સમાન બની જશે.

રાજ્યમાં હાલ જે સ્થિતિ સર્જાઇ છે. તેના કારણે ભાજપ તથા કોંગ્રેસ અને અન્ય પક્ષોને આ રાજ્યમાં ઘૂસણખોરી કરવાની જાણે તક મળી ગઈ હોય તેમ લાગે છે. આવી સ્થિતિમાં રાજ્યમાં આગામી દિવસોમાં રાજકારણમાં નવા સમીકરણ ઊભા થાય તેવી પણ શક્યતા જણાઈ રહી છે. કોંગ્રેસ અને ભાજપ લાંબા સમયથી આ રાજ્યમાં કોઈ ખાસ વર્ચસ્વ જમાવી શક્યા નથી ત્યારે એવું લાગે છે કે હવે આ બંને પાર્ટીઓ પણ રાજ્યમાં તેમનું સ્થાન મજબૂત કરવાની દિશામાં આગળ વધે તેમ લાગી રહ્યું છે. આ અંગે હાલ તો રાજ્યમાં જો અને તો જેવી સ્થિતિ ઊભી થઈ છે. કારણ કે હાલ શશિકલા જેલમાં છે અને પલાનીસામી અને પનીરસેલવમ જૂથ વચ્ચે હજુ પણ ખેંચતાણ ચાલી રહી છે ત્યારે આગામી સમયમાં કદાચ રાજકારણમાં નવા સમીકરણ રચાઈ શકે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે.

http://sambhaavnews.com/

You might also like