બજેટ સત્ર પૂર્વે બેફામ વાણી વિલાસ કરનારાઓનાં કપાશે પતંગ

નવી દિલ્હી : અનેકવિધ પડકારોનો સામનો કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદનાં બજેટ સત્ર પૂર્વે કેબિનેટમાં મોટાપાયે ફેરફાર કરવાના મૂડમાં છે. અપેક્ષિત કામગીરી નહીં બજાવી શકનારા અમુક મંત્રીઓની હકાલપટ્ટી કરવા ઉપરાંત કેટલાંકનાં ખાતાઓમાં ફેરબદલ કરવામાં આવી શકે છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીના સમયગાળામાં જ કેબિનેટમાં ફેરફારનો વ્યૂહ અજમાવવામાં આવ્યો છે, જેના કારણે કેબિનેટમાંથી પડતા મૂકાયેલાઓને સંગઠનમાં જવાબદારી સોંપીને સમજાવી શકાય.

૧૪મી જાન્યુઆરી પછી તરત જ ભાજપ પ્રમુખની પસંદગી સહિતની સંગઠન રચનાની કામગીરી પૂર્ણ કરી લેશે અને ત્યારબાદ માસાંતે અથવા ફેબ્રુઆરીના પ્રારંભે કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવશે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારને આ કેબિનેટ ફેરફાર સાથે કાંઇ લાગતું વળગતું ન હોવાનો દાવો કરતાં સૂત્રોએ એમ જણાવ્યું છે કે વહીવટી નિર્ણયો ઝડપી બનાવવાના ઉદ્દેશ સાથે આ કવાયત હાથ ધરવામાં આવનાર છે. બિહારના કુલ ૮ પ્રધાનો છે.

તેઓના ભાવિ પર મીટ મંડાશે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ જેવા અન્ય રાજ્યોમાંથી નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. મોદી સરકારમાં અત્યારે ઉત્તરાખંડમાંથી કોઇને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા શાસન આપવાના વિચાર સામે કેટલાક મંત્રાલયોની કામગીરી નબળી છે. સરકાર અને પક્ષમાં પણ આ મામલે ગણગણાટ છે, અને તે કારણે કેબિનેટમાં ફેરફાર કરવાનું અનિવાર્ય થઇ પડ્યું છે.

સૂત્રોએ કહ્યું કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની રીતે પ્રધાનોની કામગીરી ચકાસી છે અને કેટલાંક પ્રધાનોની કાર્યવાહીથી સંતુષ્ટ નથી. વર્તુળોએ એમ જણાવ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ ભાજપના હોદ્દેદારો બદલાવવા માટે દબાણ કર્યું છે. બિનઅનુભવી હોદ્દેદારોને કારણે વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ધબડકો થયો હોવાનું સંઘ માને છે. સરકારની સાથોસાથ ભાજપના મહામંત્રીઓ પણ બદલાશે. કેબિનેટમાંથી પડતા મૂકાનારાને સંગઠનમાં સમાવવામાં આવશે.

You might also like