એક વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર ચાંદલોડિયાની યુવતીનું ભેદી મોત, હત્યા કે અાત્મહત્યા તે હજુ રહસ્ય

અમદાવાદ: એક વર્ષ અગાઉ ચાંદલોડિયામાં રહેતા યુવક સાથે પ્રેમલગ્ન કરનારી યુવતીની ચાંદલો‌િડયાની ગોકુલધામ રેસિડેન્સીમાંથી રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસને યુવતીની લાશ પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં પ્રેમ પ્રકરણમાં તેણીએ આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. સોલા પોલીસે અકસ્માત મોત નોંધી પેનલ ડોક્ટર પાસે પીએમ કરાવી યુવતીના મોતનું સાચું કારણ જાણવાની તજવીજ શરૂ કરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઇ કાલ સાંજના ૭.પ૦ની આસપાસ ચાંદલોડિયાના સિલ્વર સ્ટાર ફ્લેટ પાસે આવેલી ગોકુલધામ રેસિડેન્સીમાંથી યુવતીની લાશ મળી આવી હતી. યુવતી બેભાન હોવાનું લાગતાં લોકોએ ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓ યુવતીને સોલા સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતાં સોલા પોલીસ દોડી આવી હતી.

પોલીસે તપાસ કરતાં મૃતક યુવતીનું નામ અમીબહેન અશોકભાઇ સોલંકી (ઉંં.વ.ર૯, રહે. શિવકેદાર એપાર્ટમેન્ટ, ચાંદલોડિયા તળાવ પાસે, ચાંદલોડિયા) હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીએ ધાબા પરથી પડતું મૂકીને આપઘાત કર્યાની સ્થાનિકોમાં ચર્ચા જાગી હતી, જોકે કોઇ પણ વ્યકિતએ આ ઘટના નજરે જોઇ નથી તેમજ નીચે પડવાનો અવાજ પણ સાંભળ્યો નથી. યુવતીની અન્ય જગ્યાએથી લાશ મળતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મૃતક અમીબહેને એક વર્ષ અગાઉ જ અશોકભાઇ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.

સૂત્રોના જણાવ્યા મુજબ પતિ-પત્ની વચ્ચે કોઇ અણબનાવ ન હતો. તેઓ આત્મહત્યા કરે તેવા સંજોગો હતા જ નહીં. પોલીસને મૃતક યુવતી પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં યુવતીએ ઉલ્લેખ કર્યો છે કે પોતે પ્રેમપ્રકરણથી કંટાળી જઇને આપઘાત કરે છે. પોલીસે આ સ્યુસાઇડ નોટ કબજે કરી છે.

બીજી તરફ મૃતક યુવતીનાં પરિવારજનોનો આક્ષેપ છે કે અમીબહેનની હત્યા કરવામાં આવી છે. તેની પાસેથી જેે સ્યુસાઇડ નોટ મળી આવી છે તેમાંના હેન્ડરાઇટિંગ અમીબહેનના નથી. જે સ્થળ પરથી લાશ મળી આવી છે ત્યાં ઢસડાયા હોવાનાં નિશાન છે, જેથી અન્ય કોઇ જગ્યાએથી તેની લાશને ત્યાં લાવવામાં આવી હોઇ શકે.

ઉપરાંત પ્રાથમિક દૃષ્ટિએ ઉપરથી પડ્યા બાદ માથાના ભાગે ઇજા થાય તેવાં કોઇ નિશાન પણ જોવા મળ્યાં નથી. પોલીસને યુવતી પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે, પરંતુ સ્યુસાઇડ કઇ રીતે કર્યું તેનો હજુ સુધી સ્પષ્ટ ખ્યાલ આવ્યો નથી, જેથી યુવતીની હત્યા કરાઇ છે કે આત્મહત્યા? તે સ્પષ્ટ થયું નથી. સોલા પોલીસે હાલ યુવતીની લાશને પેનલ ડોકટર પાસે પીએમ અર્થે મોકલી આપવામાં આવી છે.

સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે. એસ. પટેલે જણાવ્યું હતું કે હાલમાં અકસ્માત મોત ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પેનલ ડોકટર પાસે પીએમ કરાવવામાં આવ્યું છે. પીએમ રિપોર્ટ બાદ સાચું કારણ જાણવા મળશે. માથાના ભાગે કોઇ ઇજાનાં નિશાન મળી આવ્યાં નથી.

You might also like