આંધ્રને વિશેષ રાજ્યનાં દરજ્જાની માગણી સાથે ચંદ્રાબાબુ નાયડુનાં દિલ્હીમાં ધરણાં

નવી દિલ્હીઃ તેલુગુ દેશમ્ પાર્ટી (ટીડીપી)નાં અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુએ દિલ્હીના આંધ્ર ભવન ખાતે પોતાનાં એક દિવસીય ધરણાં શરૂ કરી દીધાં છે. તેમણે આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવા અને રાજ્ય પુનર્ગઠન અધિનિયમ-ર૦૧૪ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પૂરા કરવાની માગણી કરી છે. સવારના આઠ વાગ્યાથી શરૂ થયેલાં તેમનાં આ ધરણાં રાતના આઠ સુધી ચાલશે.

આ દરમિયાન તમામ વિપક્ષી દળોના નેતાઓએ એકતા પ્રદર્શિત કરીને તેમનાં ધરણાંને સમર્થન આપ્યું છે અને આજે દિવસભર અનેક નેતાઓ તેમની મુલાકાત પણ કરશે. ઉલ્લેખનીય છે કે ટીડીપી રાજ્યના ભાગલા બાદ આંધ્રપ્રદેશને કરવામાં આવેલા અન્યાયનો વિરોધ કરીને ગયા વર્ષે એનડીએ ગઠબંધનથી બહાર થઈ ગઈ છે. નાયડુ આવતી કાલ ૧ર ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે અને તેમને આવેદનપત્ર સોંપશે.

મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ સાથે તેમના પ્રધાનો, પક્ષના ધારાસભ્યો. એમએલસી અને સાંસદો પણ ધરણાંમાં જોડાયાં છે. આંધ્રપ્રદેશના કર્મચારી સંઘ, સામાજિક સંગઠનો અને વિદ્યાર્થી સંગઠનોએ પણ નાયડુનાં ધરણાંનું સમર્થન કરીને તેમાં સામેલ થવાનું એલાન કર્યું છે. નાયડુએ રાજઘાટ ખાતે પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નાયડુએ જણાવ્યું હતું કે જો તમે (કેન્દ્ર સરકાર) અમારી માગણીઓ પૂરી નહીં કરો તો અમને તે માગણીઓ પૂરી કરાવતાં આવડે છે.જ્યારે પણ અમારા આત્મસન્માન ઉપર હુમલો કરવામાં આવશે ત્યારે અમે તેને સહન નહીં કરીએ.

You might also like