ગોતાના વંદેમાતરમ્ રોડનું પહેલા જ વરસાદમાં ધોવાણ

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનમાં રોડના કામોમાં થતા વ્યાપક ભ્રષ્ટાચારથી લોકો દર ચોમાસામાં રાડ પાડી ઊઠે છે. શાસક પક્ષ ચૂંટણી જીતવાના આશયથી દર વખતે નવાં નવાં સૂત્રો, સ્લોગનોનાં નગારાં પીટે છે. પરંતુ નાગરિકોને આપવાની થતી નળ, ગટર અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા પ્રત્યે ઉદાસીનતા દાખવે છે. ગોતાના વંદેમાતરમ્ રોડનું ચોમાસાના પહેલા વરસાદમાં જ થયેલું ધોવાણ તંત્રની ભ્રષ્ટ નીતિ રીતિ અને શાસકોની ઉદાસીનતાનું એક વધુ વરવું ઉદાહરણ છે.

નવા પશ્ચિમ ઝોનના ગોતામાં ન્યૂ એસ.જી. રોડ એટલે કે વંંદેમાતરમ્ રોડ પર આશરે પચાસેક નવી સોસાયટીઓ બની છે. ગોતા પુલથી નીચે ઊતરતા વિશ્વકર્મા મંદિર પાસેથી શરૂ થતો રોડ છેક ચેનપુર, જગતપુરથી એસ.જી. હાઇવે પર નીકળે છે. આ રોડ પરની વંદેમાતરમ્, શુકન ગોલ્ડ, દેવનંદન રેસિડન્સી, પ્રાર્થના રેસિડન્સી, શાઇન સુપર્બ, દેવનંદન પ્લેટિના, શુકન સ્ટેટસ, શાયોના તિલક જેવી સોસાયટીના રહેવાસીઓ ચોમાસાના પહેલા વરસાદમાં ધોવાયેલા આ રોડથી ત્રાહિમામ પોકારી ગયા છે.

શાઇન સુપર્બ સોસાયટીના ચેરમેન મનીષ પ્રજાપતિ કહે છે કે, “કોર્પોરેટરોને બિસ્માર રોડના ફોટોગ્રાફસ પણ મોકલી અપાયા હોવા છતાં તેમનાં પેટનુ પાણી હાલતું નથી.”

આ અંગે રાજેશ્વરીબહેન પંચાલને પૂછતાં તેઓ કહે છે, “આખ્ખો રોડ તૂટ્યો નથી. પરંતુ પાણીની લાઇન નંખાઇ રહી હોય તેવું લાગે છે. કુસુમબહેન જોશી કહે છે, “રોડ‌, બિલ્ડિંગ કમિટીના ચેરમેન જતીન પટેલનું ધ્યાન દોર્યું છે. ભરત પટેલ એવું કહે છે, હું તો આઠ-નવ મહિના પહેલા ચૂંટાઇને આવ્યો છું. એટલે આ રોડ મારી પહેલાં થયો હોઇ મને કંઇ ખબર નથી. જ્યારે બ્રિજેશ પટેલ કહે છે, કોન્ટ્રાકટરના મજૂરો આવ્યા નથી. મજૂરો આવશે કે રોડને નવો બનાવી દેશે. હાલ તો મોટરેબલ કરાવી દઇશ.

રોડ-બિલ્ડિંગ કમિટીના ચેરમેન જતીન પટેલ કહે છે કે, “રોડ પ્રોજેકટ દ્વારા તૈયાર કરાયેલા આ રોડ પર શુકન ગોલ્ડ અને પાણીની ટાંકી એમ બે સ્પોટ જ ક્ષતિગ્રસ્ત થયા છે. જેના માટે કોન્ટ્રાકટરને નોટિસ પણ ફટકારાઇ હોઇ રોડ રિપેરિંગના ઝડપી પગલાં લેવાશે.

You might also like