ચાંદલોડિયામાં મામા-ભાણેજને ઢોર માર મારીને લૂંટી લીધા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે લૂંટફાટ અને ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. ગત રાત્રે ચાંદલોડિયા વિસ્તારમાંથી એક્ટિવા પર પસાર થતા મામા-ભાણેજને બાઇક અને એક્ટિવા પર આવેલા પાંચ અજાણ્યા ઇસમોએ લાકડી અને ધોકા મારી રૂ.૭૦,૦૦૦ રોકડા, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને અન્ય ચીજવસ્તુઓ ભરેલી બેગ લઇ ફરાર થઇ ગયા હતા. બાઇક પર જતા શખસોને તેઓએ જોઇને ચલાવવાનું કહેતાં એક્ટિવા ઊભું રાખી આ અજાણ્યા શખસોએ મારામારી કરી હતી. ઘટનાની જાણ સોલા પોલીસને કરાતાં સોલા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ઇજાગ્રસ્ત મામા-ભાણેજને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

મળતી માહિતી મુજબ ચાંદલોડિયાનાં વંદેમાતરમ્ ચોકડી પાસે આવેલા કામેશ્વર એલિગન્સમાં અલ્પેશભાઇ અંબાલાલ પટેલ રહે છે. અલ્પેશભાઇ ચાણક્યપુરી શાયોના ખાતે ડેરી ધરાવી વેપાર કરે છે. ગત રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ અલ્પેશભાઇ તેમના ભાણેજ કૃણાલની સાથે એક્ટિવા લઇ ઘર તરફ જઇ રહ્યા હતા. દરમ્યાનમાં શાયોના સિટી રોડ પર હરિકૃષ્ણ એવન્યુ નજીક બાઇક લઇને કેટલાક શખસ જતા હતા.

એક્ટિવાની નજીકથી બાઇક ચલાવતા અલ્પેશભાઇએ બાઇક ચાલકને જોઇને ચલાવવા કહ્યું હતું. જેથી થોડે આગળ જઇ બાઇક ચાલકે બાઇક ઊભું રાખી દીધું હતું અને અલ્પેશભાઇના એક્ટિવાને રોકી ઝઘડો કર્યો હતો. દરમ્યાનમાં બાઇક અને એક્ટિવા પર અન્ય શખસો લાકડી અને ધોકા લઇને આવ્યા હતા. શખસો લાકડી અને ધોકા વડે અલ્પેશભાઇ અને તેમના ભાણેજ ઉપર તૂટી પડ્યા હતા. બંનેને ઢોર માર મારી અલ્પેશભાઇ પાસે રહેલી બેગ જેમાં રોકડ રૂ.૭૦,૦૦૦ બેન્કની ચેક બુકો, અલગ અલગ બેન્કના ક્રેડિટકાર્ડ વગેરે લઇ ફરાર થઇ ગયા હતા.

ઘટના બાદ લોકોનાં ટોળાં ભેગા થઇ જતાં બંને ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજી તરફ પોલીસને જાણ કરાતાં સોલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. સોલા પોલીસ સ્ટેશનમાં પીઆઇ ડી.વી.રાણાએ જણાવ્યું હતું કે બંને મામા-ભાણેજ ઘરે પરત ફરતા હતા ત્યારે બાઇક ચલાવવા બાબતે બોલાચાલી બાદ મારામારી અને લૂંટની ઘટના બની છે. હાલ આરોપીઓ કોણ છે તેની તપાસ શરૂ કરી ધરપકડની તજવીજ શરૂ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં એકલદોકલ વ્યક્તિઓ પાસેથી લૂંટના બનાવો વધી રહ્યા છે. ચોર-લૂંટારુઓ છરી બતાવી ડરાવી ધમકાવી તેઓની પાસેથી લૂંટ કરી ફરાર થઇ જાય છે. અમદાવાદ શહેરમાં છેલ્લાં દસ દિવસમાં રાત્રીના સમયે લૂંટના બનાવે પાંથી વધુ બનેલા છે. ત્યારે શહેરમાં પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like