ચાંદખેડા કોલ સેન્ટર કૌભાંડની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ

અમદાવાદ: ગાંધીનગર-વિસત હાઇવે પર ૪ડી-સ્કવેર મોલમાં ચાલતા કોલ સેન્ટર કૌભાંડની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઇ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ છે. સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ આ કૌભાંડ ચાલતું હતું. જેથી તપાસ એજન્સીને સોંપાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યાનુસાર પોલીસ તપાસમાં મહિલા સહિત વધુ ત્રણ લોકોની સંડોવણી બહાર આવી છે. સગીર વયના આરોપી અને પ્રીતેશે જે ૧.પ કરોડની કાર સાથે ફોટો પડાવ્યો છે તે ગાડી કોની છે તે અંગેની પણ પોલીસ તપાસ કરશે. રાજેશ શર્મા નામના તાંત્રિક પાસેથી તેઓએ કોલ સેન્ટરની તમામ વિગતો મેળવી હતી. આરોપી પ્રીતેશ જોશી ચાંદખેડાના પરમેશ્વર પાર્કમાં ભાડે રહેતો હતો. ભાડે રહેવા અંગેની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પ્રીતેશે જાણ ન કરી હોવાથી તેની સામે પોલીસે ૧૧૮ મુજબ જાહેરનામા ભંગની પણ ફરિયાદ નોંધાઇ છે.

પોલીસે બીડ આપનાર વિકાસ તેમજ તાંત્રિકની પણ શોધખોળ શરૂ કરી છે. હાલમાં સમગ્ર કેસની તપાસ સ્થાનિક પી.આઇ. પાસેથી લઇ ક્રાઇમ બ્રાંચને સોંપી દેવાઇ છે. બીડ આપનાર અને તાંત્રિકની ધરપકડ બાદ અનેક ખુલાસા થઇ શકે છે.

બીજી તરફ આરોપી પ્રીતેશ અને ફાઇનાન્સર સગીર સીજી રોડ ઉપર એક કોલ સેન્ટર ઊભું કરવાના હતા. સૂત્રોના જણાવ્યાનુસાર તેમાં તેઓ પ્રોફેશનલ અંગ્રેજી બોલતા અન્ય રાજ્યોનાં યુવકને જ નોકરીએ રાખવાના હતા.
visit : www.sambhaavnews.com

You might also like