ચાંદખેડા કોલ સેન્ટર કૌભાંડઃ પટેલ પરિવારના નબીરાએ ફાઇનાન્સ કર્યું હતું

અમદાવાદ: ગાંધીનગર-વિસત હાઇવે પર આવેલા ૪ડી-સ્કવેર મોલમાંથી ઝડપાયેલા કોલ સેન્ટર કૌભાંડના મામલે પોલીસે આરોપીઓના બુધવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ તપાસમાં આ કોલ સેન્ટરમાં વિસત વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના ૧૭ વર્ષીય નબીરાનું રોકાણ હોવાનું બહાર આવ્યું છે. આરોપી સગીર હોઇ હાલ તેને મુક્ત કરવામાં આવ્યો છે. પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રિતેશ જોષી અને વિસત વિસ્તારમાં રહેતા પટેલ પરિવારનો ૧૭ વર્ષીય સગીર કોલ સેન્ટરના મુખ્ય સૂત્રધાર છે. સગીરે કોલ સેન્ટર ચાલુ કરવા માટે લાખો રૂપિયાનું માત્ર રોકાણ કર્યું હતું. બાદમાં અમદાવાદમાં રહેતી રાજેશ શર્મા નામની વ્યક્તિ‌નો પ્રિતેશ જોષીએ સંપર્ક સીધ્યો હતો. રાજેશ શર્માનું દિલ્હીમાં કોલ સેન્ટર ચાલતું હતું.

મિત્રોની ઓળખાણ દ્વારા રાજેશ શર્મા અને વિકાસ ઉપાધ્યાય નામના એજન્ટની ઓળખ થઇ હતી. આરોપી પ્રિતેશે વિકાસ પાસેથી અમેરિકાના લોન ડિફોલ્ટરોની લીડ મેળવી હતી. એક લીડનો એક રૂપિયો ચૂકવાતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સગીર આરોપીને હાલ મુક્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસ દરમ્યાન જરૂર પડે ત્યારે સગીરને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. કોલ સેન્ટર દ્વારા રૂ.૭૦૦૦ ડોલર બેન્ક એકાઉન્ટમાં જમા થયા હોવાનું તપાસમાં બહાર આવતાં પોલીસ તમામ બેન્ક એકાઉન્ટની તપાસ કરશે. ઉપરાંત રાજેશ શર્માની પણ ટૂંક સમયમાં પૂછપરછ થઇ શકે છે.

visit: sambhaavnews.com

You might also like