ચાંદખેડામાં ગટરનાં ઢાંકણાં ધડાકા સાથે ઊછળતાં લોકોમાં ભય

અમદાવાદ: શહેરના ન્યૂ સી.જી.રોડ પર અાવેલી સ્વાગત રેસીડેન્સી પાસેથી ગટરમાંથી પસાર થતી ગેસલાઈનમાં અાજે સવારે એકાએક અાગ લાગતાં જબરદસ્ત ધડાકો થયો હતો. ઘટનાને પગલે અાસપાસના રહીશોમાં દોડધામ અને ભય મચી જવા પામ્યો હતો. બનાવની જાણ ફાયરબ્રિગેડને કરાતાં ચાર જેટલા ફાયર ફાઈટર અને ફાયરબ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી અાગને કાબૂમાં લીધી હતી.

ધડાકાને પગલે ગટરના બેથી ત્રણ ઢાંકણાંઓ જબરદસ્ત ઊછળ્યા હતા. જોકે અા બનાવમાં સદ્નસીબે કોઈને જાનહાની થવા પામી ન હતી. બીજી તરફ પોલીસ સહિતનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ સવારના સમયે ગેસની પાઈપલાઈનમાંથી અચાનક જ જબરદસ્ત ધડાકો થયો હતો અને અાસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. તપાસ કરતાં પાઈપલાઈનમાં અાગ લાગી હતી અને ફાયરબ્રિગેડે તાત્કાલીક દોડી જઈ અાગને કાબૂમાં લઈ લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વારંવાર અા રીતે ગેસની પાઈપલાઈનમાં અાગ લાગતા ગટરના ઢાંકણાંઓ ઊછળતા હોય છે અને લોકોને ઈજા થતી હોય છે.

You might also like