ચાંદખેડામાં જાહેરમાં યુવકે યુવતીને અસ્ત્રાના ઘા માર્યા

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક યુવતીને યુવકે જાહેરમાં અસ્ત્રાના ઘા મારતા ચકચાર મચી જવા પામી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. ઘટનાની જાણ ચાંદખેડા પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

સૂત્રો પાસે મળતી માહિતી મુજબ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા વિષ્ણુનગરમાં આજે સવારે એક યુવતીને યુવકે જાહેરમાં પાંચથી છ જેટલા અસ્ત્રાના ઘા મારી દીધા હતા. જાહેર રોડ પર યુવતી પર હુમલો થતા ચકચાર મચી જવા પામી હતી. અસ્ત્રાના ઘા માર્યા બાદ યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટના બનતા લોકાના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. આ અંગે ચાંદખેડા પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પ્રેમ પ્રકરણમાં યુવતી પર હુમલો કરાયો હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. યુવતીની હાલત નાજુક હોવાની સૂત્રોએ જણાવ્યું હતું. ચાંદખેડા પોલીસે યુવતી પર હુમલો કરનાર યુવકની શોધખોળ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like