શ્રી ચંડીપાઠ માહાત્મ્યમ્

પૃથ્વી ઉપર મનુનું રાજ્ય ચાલતું હતું. ત્યારે ચૈત્રવંશનો રાજા સુરથ પૃથ્વી ઉપર રાજ્ય કરતો હતો. તેના પડોશી રાજાઓએ તેના પર ચડાઇ કરી. મંત્રીઓના દગાને કારણે તે હારી ગયો. તે વનમાં ભાગી ગયો. ત્યાં તે મેઘા ઋષિનેે મળ્યો.આ આશ્રમમાં તેને સમાધિ નામનો વાણિયો મળે છે. બંને સમદુઃખિયા છે. તે મુનિને પોતાનું દુઃખ વર્ણવે છે. તેમનું ચિત્ત શાંત થાય તે માટે મુનિ ભગવતી માનું ત્રણ ભાગમાં અવતરણ બતાવે છે. પ્રથમ ભાગમાં વિષ્ણુ ભગવાનના કાનના મેલમાંથી મધુ અને કૈટભ નામના બે દૈત્ય પ્રગટ થાય છે. જેનો નાશ વર્ણવ્યો છે. બીજા ભાગમાં મહિષાસુરના નાશની વાત છે. ત્રીજા ભાગમાં શુભ તથા નિશુંભ નામના દૈત્યના વધની વાત છે. પહેલા ભાગમાં પ્રલય બાદ ભગવાન વિષ્ણુ શેષશૈયા પર સૂતા હોય છે ત્યારે તેમના કાનના મેલમાંથી મધુ અને કૈટભ નામના બે દૈત્ય પ્રગટ થાય છે. તે ઉત્પન્ન થતાં જ વિષ્ણુના નાભિકમળમાં બેઠેલા બ્રહ્માને મારવા ઉદ્યમ આદરે છે. બ્રહ્મા વિષ્ણુની સ્તુતિ કરે છે.

ભગવાન વિષ્ણુ મા ભગવતીની સહાયથી બંને દૈત્યોનો વધ કરે છે. બીજા ભાગમાં મહિષાસુર નામનો ભયંકર દૈત્ય દેવો સાથે યુદ્ધ કરી, સ્વર્ગ તથા ઇન્દ્રલોક પડાવી લે છે. દેવતાઓને ત્યાંથી હાંકી કાઢે છે. દુઃખી દેવો બ્રહ્મા સાથે વિષ્ણુ તથા શિવને નમે છે. તેથી વિષ્ણુ અને શિવનાં મુખમાંથી તેજ પ્રગટે છે. બીજા દેવોના શરીરમાંથી પણ તેજ પ્રગટે છે. બધું તેજ ભેગું થતાં તેમાંથી દેવી પ્રગટે છે. બધા દેવ તેમને પોત પોતાનાં અસ્ત્ર તથા શસ્ત્ર આપે છે. તે દેવી મહિષાસુરનો વધ કરે છે.

ત્રીજા ભાગમાં શુંભ-નિશુંભ નામના બે દૈત્ય દેવો સાથે યુદ્ધ કરી સ્વર્ગ, ઇન્દ્રલોક પડાવી લે છે. બધા દેવ હિમાલય પર ભગવતીને પ્રાર્થના કરે છે. મા ભગવતી પ્રગટે છે. તેમના શરીરમાંથી શિવા અને શક્તિ પ્રગટે છે. તે અંબિકા તથા કૌશિકી કહેવાયાં. તેમને ચંડ મુંડ તથા શુંભ-નિશુંભના સૈનિકોએ જોયાં. તેઓ તેમના રાજા શુભ, નિશુંભને દેવીના અદ્ભુત સ્વરૂપ વિશે જણાવે છે. બંને અસુર દેવી પાસે પોતાના દૂત મોકલે છે. તે નિષ્ફળ જતાં શુંભ તથા નિશુંભ તેમના સેનાપતિને દેવી પાસે મોકલે છે. દેવી સાથે બધાનું યુદ્ધ થાય છે. દેવી પહેલાં રક્તબીજનો વધ કરે છે. પછી તેઓ શુંભ તથા નિશુંભને મારે છે. આમ, અસુરોના નાશની કથા ત્રીજા ભાગમાં વર્ણવાઇ છે.

છેલ્લે આ પાઠમાં દેવીનાં સ્વરૂપ, અસ્ત્ર, શસ્ત્ર, આભૂષણ વિશે વિગતવાર જણાવાયું છે. માર્કન્ડેય પુરાણ અંતર્ગત આ ચંડીપાઠમાં શ્લોક, અર્ધશ્લોક, ઉવાચ વગેરે મળીને ૭૦૦ મંત્ર છે. જે દુર્ગાસપ્તશતીના નામે ઓળખાય છે. આ પાઠના અંત ભાગમાં વિવિધ કામના માટે વિશિષ્ટ મંત્ર જણાવ્યા છે. જેનો નિત્ય પાઠ કરવાથી જે તે સાધક ઉપાસકની મનોકામના પૂર્ણ થાય છે. દુર્ગા સપ્તશતીમાં મા ભગવતીનું અનુપમ વર્ણન છે. રાક્ષસો સાથે તેમના તુમુલ યુદ્ધનું વર્ણન છે.

યુદ્ધની કથા રમ્ય હોય છે. તે વારંવાર વાંચવી ગમતી હોય છે. ચંડીપાઠમાં મા અંબા, અંબિકા, કૌશિકી, ચામુંડા, મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીની વાત આવે છે. જોકોઇ મનુષ્યનાં જીવનમાં અપાર દુઃખ આવતાં હોય તે મનુષ્યએ બધા જ પ્રયત્ન પડતા મૂકીને ફક્ત અને ફક્ત મા ભગવતીનું શરણું લેવું. માની અપાર કૃપાથી જે તે ભક્તનાં દુઃખ દૂર થઇ જાય છે. તેટલું જ નહીં તે આ દુર્ગમ ભવસાગર માની કૃપાથી તરી જાય છે. •

You might also like