આધારકાર્ડમાં સુધારા કરાવવાના ચાર્જમાં વધારો થાય તેવી શક્યતા

અમદાવાદ: કેન્દ્ર સરકારના નાગરિકત્વ સહિતના મામલે મહત્ત્વપૂર્ણ ગણાતા આધારકાર્ડમાં સુધારા-વધારાના ચાર્જમાં આગામી દિવસોમાં વધારો તોળાઇ રહ્યો છે, જોકે હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા કલેકટર સંચાલિત સેન્ટરમાં નવા આધારકાર્ડની નોંધણી મફતમાં કરાતી હોઇ તેમાં કોઇ ફેરફાર થવાનો નથી એટલે નાગરિકો મફતમાં જ આધારકાર્ડની નોંધણી કરાવી શકશે.

શહેરમાં અત્યારે આધારકાર્ડની નોંધણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ૦ સેન્ટર કાર્યરત છે. તંત્ર દ્વારા ચાર એજન્સીને આધારકાર્ડની નોંધણીની કામગીરી સોંપાઇ છે. આ એજન્સી દ્વારા મેનપાવર પૂરો પડાય છે, જોકે તમામ સેન્ટરમાં તંત્રનો એક ચકાસણીદાર પણ અરજદારની અરજી ચકાસવા તેમજ સેન્ટર પરની વ્યવસ્થા જાળવી રાખવા માટે ફરજ બજાવે છે.

આ તમામ સેન્ટર પર નવા આધારકાર્ડની નોંધણી માટે કોઇ ફી લેવાતી નથી, પરંતુ આધારકાર્ડમાં નામ, અટક, સરનામું, વૈવાહિક સ્થિતિ વગેરે બાબતોના સુધારા-વધારા માટે અત્યારે અરજદારને રૂ.રપ વત્તા જીએસટી મળીને આશરે રૂ.ર૯.પ૦ ચૂકવવા પડે છે, પરંતુ આગામી દિવસોમાં આ માટે રૂ.પ૦ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

તાજેતરમાં કેન્દ્રીય આઇટી મંત્રાલય દ્વારા આધારકાર્ડની નોંધણી અંગે અરજદાર પાસેથી લેવાતી ફીના દરમાં સુધારો કરવા અંગેનો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્રના આધારે ફીના સુધારેલા દરને અમલમાં મૂકવાની બાબત વિચારણા હેઠળ લેવાઇ છે.

આમ તો આ સુધારેલા દરને ગત તા.૧ જાન્યુઆરી, ર૦૧૯થી રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવાના થતા હતા, પરંતુ તેમાં વહીવટી કારણસર વિલંબ થયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. દરમ્યાન બેન્ક અને પોસ્ટ ઓફિસમાં નવા આધારકાર્ડની નોંધણી માટે રૂ.૧૦૦નો ચાર્જ લેવાય તે બાબત પણ ઉચ્ચ સ્તરે વિચારણા હેઠળ છે.

You might also like