શહેરનું તાપમાન ફરીથી ગગડ્યુંઃ ઠંડીમાં હજુ વધારો થવાની શક્યતા

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: છેલ્લા ત્રણેક દિવસથી હાડ થિજાવતી ઠંડી સામે રાહત અનુભવતાં લોકોએ આજે સવારે ફરીથી ઠંડીનો હળવો ચમકારો અનુભવ્યો હતો. ગઈ કાલ કરતાં આજે ઠંડી બે ડિગ્રી જેટલી ઘટી હતી અને આગામી બે-ત્રણ દિવસમાં ઠંડીની તીવ્રતામાં વધારો થશે તેવી આગાહી સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા કરાઈ છે.

કાશ્મીર સહિતના ઉત્તર ભારતમાં ફરીથી હિમવર્ષા થઈ છે. દિલ્હી-એનસીઆરમાં ગઈ કાલે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આમ, હવામાને અચાનક યુટર્ન લેતાં આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકોએ ઠંડીનો હળવો ચમકારો અનુભવ્યો હતો. સ્થાનિક હવામાન વિભાગે ઠંડીના પ્રકાેપમાં વધારો થવાની આગાહી કરવાની સાથે-સાથે બનાસકાંઠા જિલ્લામાં હળવો વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

બીજી તરફ આજે સવારથી વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થવાથી નાગરિકો ગરમ કપડાંમાં જોવા મળ્યા હતા. શહેરીજનોમાં ઠંડીમાં થયેલો વધારો ચર્ચાસ્પદ બન્યો હતો. ગઈ કાલે ૧૪.૩ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાતાં લોકોએ ઠંડી સામે હળવાશ અનુભવી હતી, પરંતુ આજે તેમાં અચાનક બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આજે શહેરનું લઘુતમ તાપમાન ૧૨.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કે જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. શહેરમાં ઠંડીની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે.

દરમિયાન આજે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૧૧.૨ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાતાં આ શહેર રાજ્યનું સૌથી કોલ્ડેસ્ટ સિટી બન્યું છે. જ્યારે રાજ્યનાં અન્ય પ્રમુખ શહેરોની ઠંડીની વિગત તપાસતાં ડીસા ૧૧.૫, વડોદરા ૧૬.૪, સુરત ૧૭.૬, રાજકોટ ૧૪.૫, ભૂજ ૧૩.૬, નલિયા ૧૩.૮, અમરેલીમાં ૧૨.૦ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

You might also like