ત્રણ પ્રકારનાં ઋણ

ભગવાન શંકરાચાર્યએ ભગવદ્ગીતા ઉપનિષદ પર ભાષ્યની રચના ન કરી હોત તો તે ગ્રંથનાં રહસ્યની આપણને સમજણ પડત જ નહીં. વ્યાસ ભગવાને બ્રહ્મસૂત્ર ન રચ્યાં હોત તો ઉપનિષદો કદાચ રહસ્ય રહ્યાં હોત. ઋષિઓ દ્વારા ઉપનિષદ પ્રગટ ન કરાયાં હોત તો આપણે જીવનનું રહસ્ય સમજી શક્યાં ન હોત.- ભગવાન કૌટિલ્ય
મનુષ્ય જન્મ્યો ત્યારથી જ તે ત્રણ પ્રકારનાં ઋણ કે કરજ લઇને જન્મ્યો છે. તે આ પ્રમાણે છે. પિતૃઋણ, ઋષિઋણ તથા દેવઋણ.
પહેલું ઋણ છે પિતૃઋણ. પ્રત્યેક મનુષ્ય માતા-પિતા તથા પૂર્વજોનો ઋણ છે. માતા-પિતાએ આપણને આ દેહ આપ્યો છે. એટલું જ નહીં તેનું લાલન-પાલન કરી તેને પાળી પોષીને મોટો કર્યો. બાળકને ઊછેરતાં કેટલી મુશ્કેલી પડે છે તે દીકરો કે દીકરી બહારથી મોડાં આવે ત્યારે તેને શું થયું હશે તેની ચિંતા માતા-પિતાને ઘેરી વળતી હોય છે. તે કેટલાં ઊંચાં નીચાં થતાં હોય છે.
આજે તો પુત્ર મોડો ઘરે આવે અને માતા-પિતા સહજ તેને પૂછે કે કેમ મોડું થયું ત્યારે તે તરત જ ગુસ્સે થઇ જાય છે. ‘શું કચકચ કર્યા કરો છો? શું થવાનું હતું? મોડો આવ્યો તેથી શું થઇ ગયું?’ મા કહેશે, ‘બેટા ચાલ જમી લે.’ તરત જ પેલો જવાબ આપે કે, ‘મને ભૂખ નથી. મેં તો બહાર ખાઇ લીધું છે.’ માતા-પિતા તેની વાટ જોઇ ભૂખ્યાં બેસી રહ્યાં હો. તેની તેને દરકાર નથી હોતી. આમ આપણે ભાગ્યે જ આપણાં માતા-પિતાની ચિંતા કર્યા કરતાં હોઇશું. માતા-પિતા ખૂબ મહાન હોય છે. તેમનો ઉપકાર સદૈવ યાદ રાખો. તેમને હડધૂત ન કરો. બે ભાઇઓ માતા-પિતાને વહેંચીને જુદા ના પાડો. આ મહા અનર્થ છે. આ મહાપાપ છે.
બીજું ઋણ છે ઋષિઋણ. આપણે ઋષિઓના પણ ઋણી છીએ. જ્ઞાનનું જે કાંઇ ભંડોળ આપણી પાસે છે તે ભંડોળ આપણી પાસે આ ઋષિઓને કારણે જ છે. ઋષિઓ એટલે શિક્ષકો, વિજ્ઞાનીઓ, તત્વ વેતાઓ, ચિંતકો. જેમણે જ્ઞાન મેળવવા કે તે જાળવી રાખવા આખું જીવન સમર્પિત કરી દીધું હોય છે. કેટકેટલા વિજ્ઞાનીઓ, કેટકેટલી શોધ માટે કેટ કેટલા પ્રયત્ન કર્યા છે. તેમાં કેટલાકે પોતાના જાન પણ ગુમાવ્યા છે. આમ હજારો વર્ષથી કેટકેટલા શિક્ષકો, આચાર્યો, ચિંતકો, વિજ્ઞાનીઓએ કેટલાક પ્રયત્ન કરીને આ જ્ઞાનનું ભંડોળ ઊભંંુ કર્યું ત્યારે આપણે અત્યારે આ વિવિધ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. અરે ભગવાન શંકરાચાર્યએ ભગવદ્ગીતા ઉપનિષદ ઉપર ભાષ્યની રચના કરી ન હોત તો એ ગ્રંથોનું રહસ્ય આપણને સમજાત જ નહીં. વ્યાસ ભગવાને બ્રહ્મસૂત્રની રચના કરી ન હોત તો એ ગ્રંથોના રહસ્ય આપણને સમજાત જ નહીં. ઋષિઓ દ્વારા ઉપનિષદ પ્રગટ ન કરાયાં હોત તો આપણે જીવનનું રહસ્ય જ સમજી શકયાં ન હોત. આપણે આ સૌના ઋણી છીએ. આપણે કોઇ પણ કર્મ કે વ્યવહાર કરીએ ત્યારે આ બાબત ધ્યાનમાં લેવી જોઇએ.
ત્રીજું ઋણ છે દેવઋણઃ દેવતાઓનું ઋણ એટલે કે જગતનું સંચાલન કરતા વિવિધ તત્વો, વિવિધ પરિબળો. આ દેવતાઓ આપણી જુદી જુદી ઇન્દ્રિયોમાં અંશરૂપે વસતા હોય છે. તેમના અનુગ્રહથી જ આપણા તમામ કાર્ય થતાં હોય છે. વાણીના દેવ છે અગ્નિ. અગ્નિદેવની કૃપા હોય તો જ બોલી શકાય. કાનના દેવતા છે દિગ્દેવ છે. તેમની કૃપાથી આપણે સાંભળીએ છીએ. આથી આપણે આ ઋણના ઋણી છીએ તે વાત આપણે ભૂલવી ન જોઇએ.
•શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like