૨૦૧૬માં ચણામાં રેકોર્ડબ્રેક ૬૦ ટકાથી વધુનો ઉછાળો

અમદાવાદ: ચણાના ભાવ રોજ નવી ઊંચાઈ બનાવી રહ્યા છે. દેશમાં ચણાનો પાક વધુ લેવાય છે તેવાં પશ્ચિમનાં રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદમાં વિલંબની શક્યતા તો બીજી બાજુ બજારમાં માગની સામે ચણાના ખૂબ જ પાતળા થઇ રહેલા સ્ટોકના કારણે ચણાના ભાવ કેલેન્ડર વર્ષ ૨૦૧૬ના જાન્યુઆરીથી જૂનના સમયગાળામાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડબ્રેક ૬૦ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. જોકે વિવિધ કઠોળમાં ૧૦થી ૩૦ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો છે.

સ્થાનિક હાજર બજારમાં ચણા ૭,૫૦૦થી ૮,૦૦૦ની સપાટીએ પહોંચી ગયા છે. કાલુપુર બજારના હોલસેલ વેપારીના જણાવ્યા પ્રમાણે ચણામાં ખૂબ જ પાતળો સ્ટોક છે તો તેની સામે માગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

એક બાજુ વરસાદમાં વિલંબ થઇ રહ્યો છે તો બીજી બાજુ સેબીએ ચણાના વાયદાના નવા સોદા પર પ્રતિબંધ મૂકતા ચણામાં તેજીએ વધુ જોર પકડ્યું છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચણાના ભાવને અંકુશમાં લેવા સેબીએ વાયદા પર પ્રતિબંધ મૂક્યો છે તેમ છતાં પણ ચણાના ભાવ ઓછા થવાનું નામ લેતા નથી અને સતત આગેકૂચ જારી રહેલી હોવાનું જોવા મળ્યું છે.

સ્થાનિક બજારમાં ચણા રિટેલમાં રૂ. ૯૦થી ૧૧૦ની સપાટીએ પહોંચી ગયા છે. વર્ષ ૨૦૧૬માં ૬૦ ટકાથી વધુનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે.  વેપારીઓના જણાવ્યા પ્રમાણે કેલેન્ડર વર્ષ ૨૦૧૬ના પ્રથમ છ મહિનામાં ચણામાં રેકોર્ડબ્રેક સુધારાની ચાલ જોવા મળી છે.

You might also like