ચણામાં ઉછાળાના પગલે ચણાની દાળ અને બેસન રૂ. ૧૧૦ને પાર

અમદાવાદ: સરકાર ચણાના ભાવ વધતા અટકે તે માટે એડીચોટીનું જોર લગાવી રહી છે તેમ છતાં હાજર બજારમાં ચણાના ભાવ વધતા અટકવાનું નામ લેતા નથી. ચણાના ભાવ રૂ. ૯૦થી ૧૦૦ની સપાટીએ પહોંચી ગયા છે ત્યારે ચણાની દાળ અને બેસનમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. ચણાની દાળ રૂ. ૧૧૦થી ૧૨૦ની સપાટીએ પહોંચી ગઇ છે. એ જ પ્રમાણે બેસનનો ભાવ પણ રૂ. ૧૨૦થી ૧૩૦ની સપાટીએ પહોંચી ગયો છે. દરમિયાન ગુજરાત, રાજસ્થાન અને એમપીમાં વરસાદ ખેંચાયો છે તે પણ ભાવવધારા માટે કારણભૂત ગણાવાય છે.

કાલુપુર હોલસેલ બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે ફ્લોર મિલર્સની ચણાની દાળની માગ ખૂબ જ ટૂંકા સમયમાં વધી જતાં ચણાની દાળ અને બેસનમાં પણ તેની અસર જોવા મળી છે. આગામી શ્રાવણ મહિનાના દિવસોમાં ચણાના બેસનની માગમાં મોટો ઉછાળો જોવાય તેવી શક્યતાઓ પાછળ દાળ અને બેસનના ભાવમાં માત્ર એક જ મહિનાના સમયગાળામાં ૧૦થી ૩૦ રૂપિયા સુધીનો પ્રતિકિલોએ ઉછાળો જોવાઇ ચૂક્યો છે.

ચણાના ઊંચા ભાવથી પેકિંગ પણ નાનાં થયાં!
ચણાના વધતા જતા ભાવના કારણે મોટા જથ્થાબંધ વેપારીઓએ સ્ટોક અંકે કરી લીધા બાદ હવે ચણા નાના પેકિંગમાં વેચવાના શરૂ કર્યા છે. તેઓના કહેવા પ્રમાણે ઊંચા ભાવને કારણે લોકો નાના પેકિંગ ખરીદવાનું પસંદ કરે છે. તો બીજી બાજુ પેકિંગના કારણે ભાવ પણ વધુ ૧૫થી ૨૦ ટકા ઊંચા લઈ શકાય છે અને તેને કારણે ઘણી નાની નાની કંપનીઓ ચણા છૂટકમાં વેચવાને બદલે પેકિંગમાં વેચવાનું વધુ પસંદ કરી રહી છે.

You might also like