ચણા દાળ અને બેસનમાં મહિનામાં ૨૦ ટકા ઉછાળો

અમદાવાદ: ચણાના ભાવે નવી ટોચની સપાટી બનાવી પ્રતિ ક્વિન્ટલ ૯,૦૦૦ની સપાટી ક્રોસ કરી દીધી છે. રિટેલમાં પણ ચણાના ભાવ ૧૧૦થી વધીને ૧૨૦-૧૨૫ની સપાટીએ પહોંચી ગયા છે, જેના પગલે ચણાની દાળ અને બેસનના ભાવમાં પણ આગેકૂચ જારી રહેલી જોવા મળી છે.

નોંધનીય છે કે સ્થાનિક બજારમાં ચણાના લોટનો ભાવ પ્રતિકિલોએ ૧૨૦થી ૧૩૦ની સપાટીએ પહોંચી ગયો છે. એ જ પ્રમાણે ચણાની દાળનો ભાવ પણ ૧૦૦ રૂપિયા ક્રોસ કરી ૧૧૦ની સપાટીએ પહોંચી ગયેલો જોવા મળ્યો છે.

પાછલા બે વર્ષમાં જોવા મળેલો દુકાળ તથા છેલ્લા ચાર-છ મહિનાથી ચણામાં જોવા મળી રહેલી સટ્ટાકીય લેવાલીના પગલે ચણાના ભાવમાં સતત તેજીની ચાલ જોવા મળી છે. માત્ર એક જ વર્ષમાં ચણાના ભાવ બમમણા થઇ ગયા છે.

જાન્યુઆરીથી જૂન સુધીમાં ચણાના ભાવમાં ૬૦થી ૮૦ ટકાનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે અને હાલ સ્થાનિક બજારમાં ચણાના ભાવ ૧૦૦ રૂપિયાને ક્રોસ કરીને રૂ. ૧૨૦થી ૧૨૫ની સપાટીએ પહોંચી ગયા છે.

સ્થાનિક કાલુપુર બજારના હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે બજારમાં ચણાની સટ્ટાકીય લેવાલી પાછળ ચણાની દાળ અને બેસનના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી આગઝરતી તેજી જોવા મળી છે. એક જ મહિનામાં ચણાની દાળ અને બેસનના ભાવમાં પ્રતિકિલોએ દશથી વીસ રૂપિયાનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે.

વેપારીઓના કહેવા પ્રમાણે હજુ નવી આવક આવવાની ત્રણથી ચાર મહિનાની વાર છે ત્યારે ચણાના ભાવમાં હજુ પણ વધુ વધારો જોવાય તેવી મજબૂત શક્યતા જોવા મળી રહી છે અને તેના પગલે ચણાની દાળ અને બેસનમાં હજુ પણ વધુ વધારો જોવાય તેવી શક્યતા છે.

You might also like