તહેવારોના પગલે ચણાના બેસન સહિત વિવિધ લોટના ભાવ વધ્યા

અમદાવાદ: તહેવારો આવતાની સાથે જ બેસન સહિત વિવિધ લોટની માગમાં વધારો થતાં ભાવમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. શ્રાવણ મહિનાની સિઝન શરૂ થતાં જ ચણાના બેસનની ડિમાન્ડ વધી છે. ત્રણ મહિના પૂર્વે ૯૫થી ૧૦૦ રૂપિયે પ્રતિકિલોના ભાવે વેચાતું ચણાનું બેસન હાલ વધીને ૧૦૦થી ૧૧૦ની સપાટીએ પહોંચી ગયું છે. સાથેસાથે મોહનથાળ, મગજના લોટ, ફુલવડીના લોટના ભાવમાં પણ તેજીની ચાલ જોવા મળી છે.

ફ્લોર મિલ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે તહેવારો આવવાની સાથે જ વિવિધ કઠોળના ભાવમાં જોવા મળેલી સુધારા તરફી ચાલના પગલે બેસન સહિત વિવિધ લોટના ભાવમાં વધારો નોંધાયો છે. નવી આવક આવવાને હજુ ચારથી છ સપ્તાહની વાર છે, જેના પગલે અડદ, મઠ, મસુર, સોયાબીનના લોટના ભાવમાં પણ સુધારાની ચાલ જોવા મળી છે.

ત્રણ મહિના પૂર્વે અડદના લોટના ભાવ ૧૦૦થી ૧૦૫ની સપાટીએ જોવા મળતા હતા તે હાલ વધીને ૧૧૦થી ૧૨૦ની સપાટીએ પહોંચી ગયા છે. એ જ પ્રમાણે મઠના લોટનો ભાવ પણ હાલ વધીને ૧૧૦થી ૧૨૦ની સપાટીએ પહોંચી ગયો છે. ફ્લોર મિલ એસોસિયેશનના અગ્રણીના જણાવ્યા પ્રમાણે તહેવારોના કારણે સોજી-રવો અને મેંદાની માગમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે, જેના પગલે પ્રતિકિલોએ ત્રણ મહિનામાં ત્રણથી પાંચ રૂપિયાનો વધારો નોંધાયો છે.

હાલ સોજી-રવો વધીને રૂ. ૩૫થી ૪૦ની સપાટીએ પહોંચી ગયો છે, જ્યારે મેંદાનો ભાવ વધીને રૂ. ૩૦થી ૩૫ની સપાટીએ પહોંચી ગયો છે. શિયાળામાં મસુર, સોયાબીન, અડદ, મઠના લોટની ડિમાન્ડમાં વધારો નોંધાતો હોય છે. તેના પગલે હાલ આ બધાં લોટના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી છે.

You might also like