ચેમ્પિયન્સ ટ્રોફીનો હાઈ વોલ્ટેજ મુકાબલોઃ કાલે બપોરથી રસ્તાઓ સૂમસામ બની જશે

લંડનઃ કરોડો ક્રિકેટ ચાહકોની નજર આવતી કાલે રમાનારી મેચ પર ટકેલી હશે, જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીનો સૌથી મોટો મુકાબલો રમાવાનો છે – ભારત અને પાકિસ્તાન વચ્ચે. એજબેસ્ટનમાં રમાનાર આ રોમાંચક અને દિલચસ્પ મુકાબલો હશે એમાં કોઈ શક નથી. શું આ વખતે પણ ટીમ ઇન્ડિયા પાકિસ્તાન પર ભારે પડશે? અહીં આજે નજર કરીએ પાંચ સૌથી મોટી તાકાત પર, જે પાક. ટીમને શાંતિનો શ્વાસ નહીં લેવા દે. આ હાઈ વોલ્ટેજ મેચમાં બંને ટીમ પૂરા દમખમ સાથે મેદાનમાં આવતી કાલે બપોરે ૩.૦૦ વાગ્યે મેદાનમાં ઊતરવા માટે તૈયાર છે. સૌથી દિલચસ્પ વાત તો એ છે કે બંને ટીમ ચાર વર્ષ પહેલાં આ જ મેદાન પર ચેમ્પિયન્સ ટ્રોફીનો મુકાબલો રમવા ટકરાઈ હતી અને વરસાદથી પ્રભાવિત મેચમાં ભારતે ડક્વર્થ લૂઈસ નિયમ અંતર્ગત પાકિસ્તાનને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. હાલ ક્રિકેટ ચાહકોના મનમાં એક જ સવાલ ઊઠી રહ્યો છે કે એ જ મેદાન છે, એ જ ટીમ છે તો શું પાક. સામેની મેચનું પરિણામ પણ એ જ આવશે?

અનુભવમાં પાકિસ્તાનના સિનિયર ધુરંધરોની આ હાલત
ટીમ ઇન્ડિયામાં અનુભવની કોઈ કમી નજરે પડતી નથી, જ્યારે બીજી તરફ પાક.ની વાત કરવામાં આવે તો તેની ટીમમાં અનુભવી ખેલાડીઓની સંખ્યા બહુ ઓછી છે. પાક.ના જે ખેલાડીઓને વન ડે ક્રિકેટનો સૌથી વધુ અનુભવ છે એ ખુદ પોતાની કરિયરમાં હંમેશાં ટીમની અંદર-બહાર થતા રહ્યા છે. આ ખેલાડી છે શોએબ મલિક (૨૪૭ વન ડે). અનુભવને ટીમના સૌથી સિનિયર ખેલાડીઓ સાથે જોડીને જોઈએ. ભારતમાં મહેન્દ્રસિંહ ધોની (૨૮૬ વન ડે), યુવરાજસિંહ (૨૯૬ વન ડે), વિરાટ કોહલી (૧૭૯ વન ડે) અને રોહિત શર્મા (૧૫૩ વન ડે) – આ છે ભારતીય ટીમના ચાર ખેલાડી, જેઓ સૌથી વધુ અનુભવી છે અને એમાંથી ધોની, યુવી અને રોહિત ૩૦ વર્ષની ઉંમરને સ્પર્શી ચૂક્યા છે. પાકિસ્તાનની ટીમમાં શોએબ મલિક (૨૪૭ વન ડે), મોહંમદ હફીઝ (૧૮૫ વન ડે), વહાબ રિયાઝ (૭૮ વન ડે) અને અહમદ શહઝાદ (૭૮ વન ડે) સૌથી ઉંમરલાયક ખેલાડીઓની યાદીમાં આવે છે. આંકડા સ્પષ્ટ બતાવે છે કે અનુભવમાં ટીમ ઇન્ડિયા પાક.થી ઘણી આગળ છે.

કેપ્ટનશિપના આંકડા શું કહે છે?
ટીમ ઇન્ડિયાનાે કેપ્ટન વિરાટ કોહલી છે, જ્યારે પાકિસ્તાનનો કેપ્ટન સરફરાઝ અહમદ છે. વિરાટ પાસે એક વિશ્વ વિજેતા ટીમનો હિસ્સો હોવાની સાથે-સાથે ૧૭૯ વન ડેનો અનુભવ છે, જ્યારે બીજી તરફ સરફરાઝ અહમદને ૭૦ વન ડે મેચનો અનુભવ છે. કેપ્ટનશિપની વાત કરવામાં આવે તો સરફરાઝને તાજેતરમાં જ કેપ્ટન બનાવાયો છે અને તેની પાસે ફક્ત ચાર વન ડે મેચમાં કેપ્ટનશિપનો અનુભવ છે, જેમાં પાક. ટીમ ત્રણ વાર જીતી અને એક વાર હારી છે. વિરાટ પાસે ૨૦ વન ડે મેચમાં કેપ્ટનશિપનો અનુભવ છે, જેમાંથી ભારતે ૧૬ મેચમાં વિજય મેળવ્યો છે અને ચાર મેચમાં પરાજય થયો છે. આ બંનેના વ્યક્તિગત આંકડાની વાત કરીએ તો વિરાટે વન ડે કરિયરમાં ૭૭૫૫ રન બનાવ્યા છે, જ્યારે સરફરાઝે અત્યાર સુધીમાં ૧૫૬૮ વન ડે રન જ બનાવ્યા છે. કોહલીના નામે ૨૭ સદી અને ૩૯ અર્ધસદી નોંધાયેલી છે, જ્યારે પાકિસ્તાની કેપ્ટનના નામે માત્ર બે સદી અને છ અર્ધસદી છે. આમ કેપ્ટનશિપની દૃષ્ટિએ પણ ટીમ ઇન્ડિયા આગળ છે.

ફીરકીમાં ભારતના ત્રણ સિંહ ભારે પડશે
સ્પિન બોલિંગ પર નજર નાખીએ તો આ મામલામાં પણ પાકિસ્તાનની ટીમ ભારત સામે ક્યાંય ટકતી હોય એવું લાગતું નથી. ટીમ ઇન્ડિયાના બે સ્પિનર આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજા અને પાર્ટટાઇમ સ્પિનર યુવરાજસિંહ જ પાકિસ્તાનના ચાર સ્પિનર્સ પર ભારે સાબિત થાય છે. ભારતીય સ્પિનર્સ અશ્વિને ૧૦૫ વન ડેમાં ૧૪૫ વિકેટ ઝડપી છે, જાડેજાએ ૧૨૯ વન ડેમાં ૧૫૧ વિકેટ ઝડપી છે, જ્યારે યુવરાજે ૨૯૭ મેચમાં ૧૧૧ વિકેટ ઝડપી છે. આ ઉપરાંત એ પણ ભૂલવું ના જોઈએ કે ગત ચેમ્પિયન્સ ટ્રોફીમાં જાડેજાએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી અને ભારતને ટ્રોફી અપાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. પાકિસ્તાન તરફથી તેનો મુખ્ય સ્પિનર રહેશે ૧૮ વર્ષીય શાદાબ ખાન, જેની પાસે ફ્કત ત્રણ વન ડેનો જ અનુભવ છે. આ ત્રણ મેચમાં તેણે પાંચ વિકેટ ઝડપી છે. ઇમાદ વસીમે ૨૧ વન ડેમાં ૨૪ વિકેટ ઝડપી છે. આ ઉપરાંત પાક.ના બે ઓલરાઉન્ડર મોહંમદ હફીઝે ૧૮૫ વન ડેમાં ૧૩૨ વિકેટ અને શોએબ મલિકે ૨૪૭ વન ડેમાં ૧૫૩ વિકેટ ઝડપી છે.

વિકેટકીપર-બેટ્સમેનના મામલે પણ પાકિસ્તાન બચ્ચું જ છે
ટીમના વિકેટકીપર-બેટ્સમેનના મામલે તો ભારતની સામે પાકિસ્તાનનું સ્થાન ક્યાંય નજરે પડતું નથી. ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર-બેટ્સમેન છે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને પાકિસ્તાનનો વિકેટકીપર-બેટ્સમેન છે તેનો વર્તમાન કેપ્ટન સરફરાઝ અહમદ. આ બંનેના અનુભવ અને આંકડામાં એટલું મોટું અંતર છે કે મોટા ભાગના ચાહકો જરાય વિચાર્યા વિના ધોનીના નામને આગળ રાખી શકે છે. ૩૫ વર્ષીય ધોનીએ અત્યાર સુધી ૨૮૬ વન ડેમાં ૯૨૭૫ રન બનાવ્યા છે અને વિકેટકીપર તરીકે ૨૬૯ કેચ અને ૯૪ સ્ટમ્પિંગ કર્યાં છે. સરફરાઝ અહેમદે ૭૦ મેચમાં ૧૫૬૮ રન બનાવ્યા છે અને કીપર તરીકે તેણે ૬૨ કેચ અને ૨૨ સ્ટમ્પિંગ કર્યાં છે. ધોનીની ટીમ ઇન્ડિયાના સૌથી સિનિયર ખેલાડીઓમાં ગણના થાય છે. પોતાની કેપ્ટનશિપમાં ધોની ટીમને આઇસીસીના બધા જ ખિતાબ જીતાડી
ચૂક્યો છે અને તેણે હવે કંઈ જ સાબિત કરવાનું બાકી રહેતું નથી એટલે સુધી કે ભારતનો એક્સ્ટ્રા વિકેટકીપર દિનેશ કાર્તિક (૭૧ વન ડે) પણ સરફરાઝ અહમદથી વધુ અનુભવી છે.

ઓપનિંગ બેટ્સમેનમાં પણ…
મિડલ ઓર્ડરમાં તો ભારતીય ટીમના બેટ્સમેનો જ પાકિસ્તાનથી આગળ છે, પરંતુ ઓપનર્સમાં પણ ટીમ ઇન્ડિયા જ બાજી મારતી નજરે પડી રહી છે. ઇનિંગ્સની શરૂઆત વન ડે ક્રિકેટમાં હંમેશાં મહત્ત્વની રહી છે અને આ મામલામાં પણ ભારતીય ઓપનર્સ પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેનો પર ભારે પડતા દેખાઈ રહ્યા છે. ભારતીય ઇનિંગ્સની શરૂઆતની જવાબદારી શિખર ધવન અને રોહિત શર્મા પર રહેશે, જેમણે ગત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓપનિંગ કર્યું હતું. બંનેએ ઘણી મેચમાં રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી. બંને બેટ્સમેનો વચ્ચે લગભગ ૫૪ વન ડે મેચોમાં પહેલી વિકેટ માટે ૨૪૫૦ રનની કુલ ભાગીદારી નોંધાઈ ચૂકી છે એટલું જ નહીં આ બંનેની હાલ વન ડે ક્રિકેટ ઇતિહાસમાં પાંચમા નંબરની સૌથી સફળ ઓપનિંગ જોડી છે. બીજી તરફ છે પાકિસ્તાનની ઓપનિંગ જોડી, જેમાં એક તરફ છે અહમદ શહઝાદ – જેણે ૭૮ મેચમાં ૨૫૮૫ રન બનાવ્યા છે. બીજી તરફ છે ભૂતપૂર્વ કેપ્ટન અઝહર અલી, જેને આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ૧-૪થી પરાજય બાદ કેપ્ટનશિપ ખૂંચવી લઈને ટીમમાં પણ હાંકી કાઢવામાં આવ્યો હતો. આથી હવે પાકિસ્તાનને એક એવા બેટ્સમેનની સાથે ઇનિંગ્સની શરૂઆત કરવી પડશે, જે તાજેતરમાં ટીમની બહાર રહ્યો છે, જેની ઉંમર ૩૨ વર્ષ છે અને જેની પાસે ફક્ત ૪૫ વન ડે મેચમાં ૧૬૦૫ રન બનાવવાનો જ અનુભવ છે.

http://sambhaavnews.com/

You might also like