બૂમરાહના ‘નો બોલ’ એ ફખર જમાનને મોટો એવોર્ડ અપાવ્યો

નવી દિલ્હીઃ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની જીત એટલા માટે ખાસ હતી, કારણ કે ફાઇનલમાં તેણે ભારતને હરાવ્યું હતું. એ મેચ એક સમયે ભારતની પકડમાં હતી, પરંતુ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહના એક નો બોલથી એ મેચનું પાસું પલટાઈ ગયું હતું, જે પાકિસ્તાની બેટ્સમેન ફખર જમાનને જીવનદાન મળ્યું તેણે પોતાની જિંદગીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમીને પાકિસ્તાનને ટ્રોફી અપાવી દીધી. ફખર જમાનની એ ઇનિંગ્સને ક્રિકઇન્ફોએ હવે વન ડે ક્રિકેટના બેસ્ટ પર્ફોર્મન્સ ઓફ ધ યરનો એવોર્ડ આપ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી ફાઇનલ મેચનાે ચોથાે બોલ ફખર જમાનના બેટના કિનારાને અડીને ગયો, પરંતુ જમાનને નસીબનો સાથ મળ્યો. એ કેચ થઈ શક્યો નહીં. ત્યાર બાદ જમાન જ્યારે પોતાની ઇનિંગ્સનો આઠમો બોલ રમી રહ્યો હતો ત્યારે ફાઇનલ મેચની સૌથી મોટી ઘટના જોવા મળી હતી.

બોલ જમાનના બેટને અડીને બોલ વિકેટકીપરના ગ્લોવ્ઝમાં સમાઈ ગયો. જમાન ક્રીઝ છોડીને જવા લાગ્યો હતો, પરંતુ ત્યારે જ મેદાન પરના અમ્પાયરે થર્ડ અમ્પાયરને પૂછ્યું. જેવો સ્ટેડિયમના સ્ક્રીન પર રિવ્યૂ જોવા મળ્યો કે તરત સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો. અસલમાં જે બોલ પર જમાન આઉટ થયો તે ઓવર સ્ટેપ નો બોલ હતો. એ બોલ ફેંક્યો હતો જસપ્રીત બૂમરાહે. મેદાનની બહાર જઈ રહેલા ફખર જમાનને પાછો બોલાવવામાં આવ્યો.

ત્યાર પછી જમાને એ ઇનિંગ્સ રમી, જેણે પાકિસ્તાનની જીતનો પાયો નાખી દીધો. ઉલ્લેખનીય છે કે એ પહેલાં આઇસીસી દ્વારા યોજાતી ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડકપ જેવી ટૂર્નામેન્ટમાં ક્યારેય પણ પાકિસ્તાન સામે ભારતનો પરાજય થયો નહોતો. અપેક્ષાઓથી વિપરીત જ્યારે પાકિસ્તાની ટીમ ભારત સામે જીતી એ સમાચાર પછીના દિવસે દુનિયાભરનાં અખબારોમાં ચમક્યા હતા.

આ એવોર્ડ માટે ફખર જમાનને ભારતના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગપ્ટિલ પણ ટક્કર દઈ રહ્યા હતા. રોહિતે પોતાની કરિયરની ત્રીજી બેવડી સદી (૨૦૮)ની ઇનિંગ્સે ફખર જમાનને જોરદાર ટક્કર આપી હતી. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડના ગપ્ટિલે દક્ષિણ આફ્રિકા સામે રમેલી અણનમ ૧૮૦ રનની ઇનિંગ્સ પણ આ એવોર્ડની રેસમાં હતી. ગપ્ટિલે પોતાની એ ઇનિંગ્સ દરમિયાન ૧૧ છગ્ગા અને ૧૫ ચોગ્ગા ફટકાર્યા હતા.

You might also like