ચેમ્પિયન્સ ટ્રોફીઃ ટીમ ઇન્ડિયાના આ ધુરંધરો ખિતાબની રક્ષા કરી શકશે?

લંડનઃ ગઈ કાલથી ઈંગ્લેન્ડમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થઈ ચૂકી છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઊતરવાની છે. ક્રિકેટ ચાહકોના મનમાં એ સવાલ ઊઠી રહ્યો છે કે સિલેક્ટરોએ પસંદ કરેલા ૧૫ ધુરંધરો શું આ ખિતાબની રક્ષા કરી શકશે ખરા? અહીં એ ખેલાડીઓ પર નજર કરીએ, જેઓ ખિતાબની રક્ષા કરવાના ઇરાદા સાથે ઈંગ્લેન્ડ પહોંચ્યા છે.

વિરાટ કોહલીઃ ભારતીય ટીમના આ કેપ્ટને એક બેટ્સમેન તરીકે ભારતને ઘણી બધી મેચ જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એમાં પણ જ્યારે કોઈ લક્ષ્યાંકને આંબવાનો હોય ત્યારે દુનિયામાં ક્યાંય તેનો વિકલ્પ નથી. IPLમાં બેંગલુરુના કેપ્ટન તરીકે બહુ જ નબળી કામગીરી બાદ એક ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના કેપ્ટન તરીકે તે મેદાનમાં ઊતરશે. તેણે ૧૭૯ વન ડે મેચમાં ૫૩.૧૧ની સરેરાશથી કુલ ૭૭૫૫ રન બનાવ્યા છે, જેમાં ૨૭ સદી અને ૩૯ અર્ધસદીનો સમાવેશ થાય છે. કોહલીનું ફોર્મ આ ટૂર્નામેન્ટમાં બહુ જ મહત્ત્વનું સાબિત થશે.

શિખર ધવનઃ સતત ખરાબ ફોર્મને કારણે ભારતીય ક્રિકેટ બોર્ડે તેના સેન્ટ્રલ કોન્ટ્રેક્ટને ઘટાડીને ‘C’ ગ્રેડમાં મૂક્યો છે. એમ છતાં શિખર ભારતીય ટીમનો મહત્ત્વનો બેટ્સમેન છે. તાજેતરની બંને વોર્મઅપ મેચમાં શિખરે શાનદાર બેટિંગ કરીને પોતાનું ફોર્મ પાછું મેળવી લીધું છે. શિખરે ૭૬ વન ડેમાં ૪૨.૯૧ની સરેરાશથી કુલ ૩૦૯૦ રન બનાવ્યા છે.

રોહિત શર્માઃ ઈજા બાદ આ સ્ટાઇલિશ બેટ્સમેને ટીમ ઇન્ડિયામાં વાપસી કરી છે. ખભાની ઈજાને કારણે ટીમની બહાર થયેલા લોકેશ રાહુલના સ્થાને રોહિતને ટીમમાં સ્થાન મળ્યું છે. રોહિત ૧૫૩ વન ડેમાં ૪૧.૩૭ની સરેરાશથી કુલ ૫૧૩૧ રન બનાવી ચૂક્યો છે, જોકે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં રમેલી એકમાત્ર વોર્મઅપ મેચમાં તે સદંતર નિષ્ફળ રહ્યો હતો. રોહિતની બેટિંગ ભારત માટે બહુ જ મહત્ત્વની સાબિત થઈ શકે તેમ છે.

અજિંક્ય રહાણેઃ ટેસ્ટ મેચ જેવું સાતત્યપૂર્ણ પ્રદર્શન ભલે તે વન ડેમાં નથી કરી શક્યો. તેણે ૭૩ વન ડેમાં ૩૨.૪૨ની સરેરાશથી રન કર્યા છે. પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન પાકું કરવા માટે તેણે સતત સારું પ્રદર્શન કરવું જ પડશે.

મહેન્દ્રસિંહ ધોનીઃ તેના બેટિંગ ફોર્મને લઈને જરૂર આશંકાઓ હશે, પરંતુ તે ભારતનો શ્રેષ્ઠ વિકેટકીપર છે તેમાં કોઈ શક નથી. તાજેતરમાં તેણે આઇપીએલમાં પુણે તરફથી કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી હતી. ધોની ૨૮૬ વન ડેમાં ૫૦.૯૬ની સરેરાશથી કુલ ૯૨૭૫ રન કરી ચૂક્યો છે. તેનો અનુભવ સમગ્ર ટીમ ઇન્ડિયા માટે મહત્ત્વનો સાબિત થઈ શકે તેમ છે.

યુવરાજસિંહઃ ભારતમાં રમાયેલી ઈંગ્લેન્ડ સામે વન ડે શ્રેણીની બીજી મેચમાં ૧૨૭ બોલમાં ૧૫૦ રન ઝૂડી કાઢ્યા બાદ યુવરાજે આઇપીએલમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. આ ફોર્મ તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ યથાવત્ રાખી શકશે કે નહીં એ જોવું રહ્યું. યુવરાજ ૨૯૬ વન ડેમાં ૮૫૩૯ રન બનાવી ચૂક્યો છે.

કેદાર જાધવઃ ભારતમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર ફોર્મ બાદ કેદાર જાધવ આઇપીએલમાં કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. મિડલ ઓર્ડરમાં આ આક્રમક ખેલાડીનું ફોર્મ ભારત માટે બહુ મહત્ત્વનું બની રહેવાનું છે. તેણે ૧૫ વન ડેમાં ૫૮.૫૦ની સરેરાશથી ૪૬૮ રન કર્યા છે.

હાર્દિક પંડ્યાઃ ભારતીય ટીમમાં આ ઓલરાઉન્ડર ખેલાડી બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઈંગ્લેન્ડની પરિસ્થિતિમાં તે બહુ અગત્યનો ખેલાડી સાબિત થઈ શકે તેમ છે. સાત વન ડેમાં તેણે નવ વિકેટ ઝડપવા ઉપરાંત ૧૬૦ રન પણ કર્યા છે. તેણે વોર્મઅપ મેચમાં બાંગ્લાદેશ સામે તોફાની બેટિંગ કરીને બાંગ્લાદેશી બોલર્સનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો.

આર. અશ્વિનઃ ઈજાને કારણે આઇપીએલમાંથી બહાર ફેંકાઈ ગયેલા ભારતના સ્પિનર માટે ઈંગ્લેન્ડની પરિસ્થિતિ એક પડકાર સમાન બની રહેશે. ૧૦૫ વન ડેમાં ૩૨.૩૭ની સરેરશથી તેણે ૧૪૫ વિકેટ ઝડપી છે.

રવીન્દ્ર જાડેજાઃ આ સ્પિનર પણ ઈજાને કારણે આઇપીએલની શરૂઆતની મેચોમાં રમી શક્યો નહોતો. જોકે આઇપીએલમાં તે બેટ કે બોલ વડે કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે ૧૨૯ વન ડેમાં ૧૮૮૮ રન બનાવવા ઉપરાંત ૩૪.૬૮ની સરેરાશથી ૧૫૧ વિકેટ ઝડપી છે.

મોહંમદ શામીઃ ભારતનો આ ફાસ્ટ બોલર બે વર્ષ બાદ વન ડે ક્રિકેટ રમશે. તેની ફિટનેસ હંમેશાં ચિંતાનો િવષય રહી છે. ઘૂંટણમાં થયેલી ઈજાને કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં નહોતો રમી શક્યો. તેણે ૪૭ વન ડેમાં ૨૪.૮૯ની સરેરાશથી ૮૭ વિકેટ ઝડપી છે.

ઉમેશ યાદવઃ આ ઝડપી બોલરે પોતાની નિયમિતતા પાછળ સખત મહેનત કરી છે. આઇપીએલમાં તેણે કોલકાતા તરફથી રમતા ૨૩.૦૭ની સરેરાશથી ૧૩ વિકેટ ઝડપી હતી. વન ડેમાં તેણે ૬૨ મેચમાં કુલ ૮૮ વિકેટ લીધી છે.
ભુવનેશ્વરકુમારઃ બોલને સ્વિંગ કરાવવાની ક્ષમતા ઈંગ્લેન્ડમાં ભુવી માટે બહુ ઉપયોગી સાબિત થશે. આઇપીએલમાં હૈદરાબાદ તરફથી રમતાં તેણે ૧૪.૪૭ની સરેરાશથી ૨૧ વિકેટ ઝડપી હતી. વન ડે કરિયરમાં તેણે ૫૯ મેચમાં ૬૧ વિકેટ લીધી છે.

જસપ્રીત બુમરાહઃ ડેથ ઓવર્સમાં હરીફ ટીમને અંકુશમાં રાખવા માટે તે ભારતનો મહત્ત્વનો બોલર છે. તેનો સ્લો બોલ ધુરંધર બેટ્સમેનને પણ સમજાતો નથી. બુમરાહનો યોર્કર બોલ સૌથી ખતરનાક હોય છે. ૧૧ વન ડેમાં તેણે ૨૧.૬૮ની સરેરાશથી ૨૨ વિકેટ ઝડપી છે.

દિનેશ કાર્તિકઃ ટીમ ઇન્ડિયામાં પસંદગી તો મનીષ પાંડેની થઈ હતી, પરંતુ ઈજાને કારણે તે ઈંગ્લેન્ડ જઈ શક્યો નહીં અને તેના સ્થાને દિનેશ કાર્તિકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. કાર્તિકે આ વર્ષે ઘરઆંગણે કેટલીક યાદગાર ઇનિંગ્સ રમી હતી. તેના આ ફોર્મને આધારે જ તેને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈંગ્લેન્ડ ગયેલી ટીમમાં સામેલ કરાયો.

http://sambhaavnews.com/

You might also like