ચેમ્પિયન્સ ટ્રોફીઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા અને ઓસી. સૌથી મજબૂત દાવેદાર

લંડનઃ આજથી શરૂ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે તા. ૪ જૂનથી કરશે. ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત આજથી થવા જઈ રહી છે. મિની વર્લ્ડકપ તરીકે ઓળખાતી આ ટૂર્નામેન્ટમાં કુલ આઠ ટીમ ભાગ લઈ રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને મજબૂત ઓસ્ટ્રેલિયાને ખિતાબના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, જોકે આખરે વિજેતા કોણ બનશે એ તો ૧૫ જૂને જ જાણી શકાશે. કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા પોતાના દમદાર પ્રદર્શનને ચાલુ રાખવાનો પ્રયાસ કરશે, જ્યારે બીજી મજબૂત ટીમ ઓસ્ટ્રેલિયા ભારતના પડકારને રોકવાની કોશિશ કરશે, જોકે કોઈ પણ ટીમને નબળી આંકી શકાય તેમ નથી. તાજેતરનાં વર્ષોમાં ઈંગ્લેન્ડે પણ વન ડે ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

વિન્ડીઝની ગેરહાજરી સાલશે
આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ક્વોલિફાય કરી શકી નથી. વિન્ડીઝની ગેરહાજરી જરૂર સાલશે, કારણ કે જો વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ સાત મેચ જીતવાનો રેકોર્ડ વિન્ડીઝ ટીમના નામ પર નોંધાયેલો છે. વિન્ડીઝે વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૬ દરમિયાન આ રેકોર્ડ બનાવ્યો હતો. હવે ટીમ ઇન્ડિયા પાસે આ રેકોર્ડને ધરાશાયી કરવાની તક છે. ટીમ ઇન્ડિયાએ ૨૦૦૯થી અત્યાર સુધી સતત છ મેચ જીતી છે.

ટીમ ઇન્ડિયાએ જીતનો આ સિલસિલો વર્ષ ૨૦૦૯થી શરૂ કર્યો હતો. તેણે ૩૦ સમ્ટેમ્બર, ૨૦૦૯ના દિવસે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રમાયેલી લીગ મેચમાં વિન્ડીઝને હરાવીને શરૂઆત કરી હતી. પછી ૨૦૧૩માં ઈંગ્લેન્ડમાં ટીમ ઇન્ડિયાએ પોતાની બધી મેચ જીતી લીધી. ભારતે લીગ રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને પછી પાકિસ્તાનને હરાવ્યું હતું. સેમિફાઇનલમાં શ્રીલંકાને અને ફાઇનલમાં ઈંગ્લેન્ડને શિકસ્ત આપી હતી.

આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ પણ ટીમ ઇન્ડિયાના નામ પર છે. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં રમેલી ૨૪ મેચમાંથી ૧૫ મેચમાં જીત હાંસલ કરી છે. છ મેચમાં પરાજયનો સામનો કર્યો છે, જ્યારે ત્રણ મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ ૧૩-૧૩ મેચ જીતીને બીજા સ્થાન પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે ૧૨-૧૨ મેચ જીતી છે. પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ૧૮ મેચમાંથી ફક્ત સાત મેચ જ જીતી છે.
http://sambhaavnews.com/

You might also like