ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત-પાક. જ ટકરાશે?

લંડનઃ ક્રિકેટની રમતમાં દિવસ સારો હોય તો નબળી ટીમ પણ દિગ્ગજ ટીમને ધૂળ ચટાડી દે છે. આ રમતમાં કોઈ પણ ચીજને લઈને હંમેશાં સચોટ અનુમાન લગાવી શકાતું નથી. ગઈ કાલે રમાયેલી મેચનું જ ઉદાહરણ લઈએ. પાકિસ્તાન સામે શ્રીલંકાની ટીમ વધુ સંતુલિત નજરે પડતી હતી, પરંતુ નસીબે શ્રીલંકાનો સાથ આપ્યો નહીં. હાથમાં આવેલા ઘણા કેચ શ્રીલંકન ફિલ્ડરોએ પડતા મૂક્યા અને સેમિફાઇનલની ટિકિટ પાકિસ્તાને કન્ફર્મ કરી લીધી. હવે બધાની નજર ૧૪ અને ૧૫ જૂને રમાનાર મુકાબલા પર ટકેલી છે.

આ ચેમ્પિયન્સનો સૌથી વધુ જોવાનારો મુકાબલો ભારત-પાકિસ્તાનનો હતો. એવું પહેલી વાર નથી બન્યું કે આ બંને કટ્ટર હરીફ દેશની ક્રિકેટ મેચ જંગ જેવી જ હોય છે. જો બધું અનુમાન પ્રમાણે થયું તો વિરાટ કોહલીની ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ફરી એક વાર હાઈ વોલ્ટેજ મુકાબલો જોવા મળી શકે છે.

જો પાકિસ્તાન ૧૪ જૂને કાર્ડિફમાં ભારતીય સમય અનુસાર બપોરે ૩.૦૦ વાગ્યે શરૂ થનારી સેમિફાઇનલ મેચમાં યજમાન ઈંગ્લેન્ડને હરાવી દે તો તે ફાઇનલમાં પહોંચી જશે. ત્યાર બાદ જો ટીમ ઇન્ડિયા ૧૫ જૂને એજબેસ્ટનમાં બપોરે ૩.૦૦ વાગ્યે રમાનારા મુકાબલામાં બાંગ્લાદેશને હરાવી દેશે તો પછી ૧૮ જૂને ભારત-પાકિસ્તાનનો રોમાંચક ખિતાબી જંગ જોવા મળશે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમ બરોબર
જો આ બંને ટીમ વચ્ચે મુકાબલો થશે તો ફરી એક વાર દબાણમાં ઝીલનારી ટીમ મેચ પર કબજો જમાવી દેશે. આઇસીસી વિશ્વકપ અને ટી-૨૦ને બાદ કરવામાં આવે તો પાકિસ્તાનનો આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામે રેકોર્ડ બરોબરી પર છે. આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં બંને ટીમ કુલ ચાર વખત સામસામે ટકરાઈ છે, જેમાંથી બે વાર પાકિસ્તાને અને બે વાર ભારતે જીત હાંસલ કરી છે.

સૌથી પહેલાં વર્ષ ૨૦૦૪ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં બર્મિંગહમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને ટીમ ઇન્ડિયાને ત્રણ વિકેટથી પરાજય આપ્યો હતો. ત્યાર બાદ ૨૦૦૯માં પાકિસ્તાને ભારતને સેન્ચુરિયન ખાતે રમાયેલી મેચમાં ૫૪ રનથી હરાવ્યું હતું. જોકે ટીમ ઇન્ડિયાએ ૨૦૧૩ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં અને પછી આ વખતની ટૂર્નામેન્ટમાં તાજેતરમાં જ ગત તા. ૪ જૂને પાક.ને હરાવ્યું. મતલબ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને વચ્ચે જીત-હારનો રેકોર્ડ ૨-૨ છે.

વન ડે વર્લ્ડકપ અને ટી-૨૦માં પાક.ની ખરાબ હાલત
વન ડે વર્લ્ડકપ અને ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત સામે હંમેશાં પાકિસ્તાનની હાર થઈ છે. ટીમ ઇન્ડિયા વન ડે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે છ મેચ રમી છે અને એ બધામાં પાકિસ્તાનનો પરાજય થયો છે. ટી-૨૦ વર્લ્ડકપની વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયા પાક. સામે ચાર મેચ રમ્યું છે અને એ ચારેયમાં જીત ટીમ ઇન્ડિયાની જ થઈ છે. એમાંની એક મેચ વર્ષ ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડકપની પણ સામેલ છે, જે ટાઈ થઈ હતી, પરંતુ બોલ-આઉટમાં ભારત જીતી ગયું હતું.
http://sambhaavnews.com/

You might also like