ઈંગ્લેન્ડ-બાંગ્લાદેશ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ઉદ્ઘાટન મેચ

લંડનઃ ચેમ્પિયન્સ ટ્રોફીની આજે ભારતીય સમય પ્રમાણે બપોરે ૩.૩૦ વાગ્યાથી શરૂઆત થઈ રહી છે. પ્રથમ મેચ યજમાન ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાવાની છે. બંને ટીમે છેલ્લાં બે વર્ષથી જે પ્રગતિ કરી રહી છે, ખાસ કરીને વન ડે ફોર્મેટમાં – એ જોતાં આજની ટક્કર રોમાંચક બની રહેવાની આશા ક્રિકેટ ચાહકો રાખી રહ્યા છે. ઈંગ્લેન્ડની ટીમનું નેતૃત્વ ઈઓન મોર્ગન, જ્યારે બાંગ્લાદેશનું નેતૃત્વ મશરફે મોર્તઝા સંભાળી રહ્યો છે.

છેલ્લા થોડા સમયથી શાનદાર પ્રદર્શન છતાં બંને ટીમે છેલ્લી મેચમાં લગભગ એકસરખી નામોશી નિહાળી છે અને આજે એ નામોશીને ભૂલીને ધમાકા સાથે ટૂર્નામેન્ટમાં શુભ શરૂઆત કરવા થનગની રહી છે. દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ઈંગ્લેન્ડે વન ડે શ્રેણીની પહેલી બંને મેચ જીતીને શ્રેણી જીત્યા બાદ ત્રીજી અને અંતિમ વન ડેમાં ક્રિકેટના મક્કા લોર્ડ્સમાં પહેલી પાંચ ઓવરમાં ફક્ત ૨૦ રનમાં જ છ વિકેટ ગુમાવીને ઐતિહાસિક ધબડકા સાથે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

બીજી તરફ પહેલી વોર્મઅપ મેચમાં પાકિસ્તાન સામે ૩૪૧ રન ખડક્યા હોવા છતાં ભારત વિરુદ્ધ ૩૨૫ રનના લક્ષ્ય સામે બાંગ્લાદેશનો વાવટો ફક્ત ૮૪ રનમાં જ સમેટાઈ ગયો હતો. આમ આજે બંને ટીમ પોતાની છેલ્લી મેચના ધબડકાને ભૂલીને ધમાકેદાર પર્ફોર્મન્સ વડે કમબેક કરવા તૈયાર છે.

છેલ્લાં બે વર્ષથી બંને ટીમના શાનદાર પ્રદર્શનમાં યુવા અને સ્ટાર ખેલાડીઓના પ્રદર્શનનો મોટો ફાળો રહ્યો છે. ઈંગ્લેન્ડની વાત કરવામાં આવે તો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પર સૌની નજર રહેશે. શાનદાર પ્રદર્શનને કારણે આઇપીએલમાં સ્ટોક્સ સૌથી મોંઘા ભાવે વેચાયેલો ખેલાડી બન્યો હતો. દ. આફ્રિકા સામેની બીજી વન ડેમાં સ્ટોક્સે શાનદાર સદી ફટકારી પોતાના શાનદાર ફોર્મનો અણસાર આપી જ દીધો છે. સ્ટોક્સ ઉપરાંત કેપ્ટન ઈઓન મોર્ગન, જેસન રોય, એલેક્સ હેલ્સ, જોની બેરિસ્ટો, જો રૂટ, મોઇન અલી અને જોસ બટલર પણ મેદાન ગજવવા સમર્થ છે.

સામે પક્ષે બાંગ્લાદેશની ટીમમાં દુનિયાનો નંબર એક વન ડે ઓલરાઉન્ડર શાકિબ અલ હસન ઉપરાંત અનુભવી મુશફિકુર રહીમ અને તમીમ ઇકબાલ અને યુવા ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન અને યુવા સ્પિનર મેહદી હસન સાથે વર્લ્ડકપમાં અંગ્રેજોને હરાવવામાં હીરો બનનાર મહંમદુલ્લાહ પણ છે.

અંગ્રેજોને એ લપડાક યાદ હશે
ઈંગ્લેન્ડ આજે બાંગ્લાદેશને હળવાશતી લેવાની ભૂલ નહીં જ કરે. વર્લ્ડકપ-૨૦૧૫માં બાંગ્લાદેશે ઈંગ્લેન્ડને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું. વર્લ્ડકપમાં ાંગ્લાદેશે મહંમદુલ્લાહની સદી (૧૩૮ બોલમાં બે છગ્ગા અને સાત ચોગ્ગા સાથે ૧૦૩ રન)ની મદદથી સાત વિકેટે ૨૭૫ રન બનાવ્યા બાદ રુબેલ હુસેન (૫૩ રનમાં ચાર), કેપ્ટન મશરફે મોર્તઝા (૪૮ રનમાં બે) અને તસ્કીન અહમદ (૫૯ રનમાં બે વિકેટ)ના આક્રમણ સામે ઈંગ્લેન્ડની ટીમ ૪૮.૩ ઓવરમાં ૨૬૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ૧૫ રનથી પરાજય થયો હતો.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં બીજી જ ટક્કર
ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમ અત્યાર સુધી એક જ વાર ટકરાઈ છે. વર્ષ ૨૦૦૦માં કેન્યા ખાતે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઈંગ્લેન્ડે બાંગ્લાદેશને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. વન ડે ક્રિકેટમાં બંને ટીમ અત્યાર સુધીમાં કુલ ૧૯ વાર ટકરાઈ છે, જેમાં ઈંગ્લેન્ડ ૧૫ જીત સાથે પ્રભુત્વ જરૂર ધરાવે છે, જ્યારે બાંગ્લાદેશે પણ અંગ્રેજોને ચાર વાર ઝટકા આપ્યા છે.
http://sambhaavnews.com/

You might also like