હોદ્દેદારોની ટર્મ અંગેના સુધારા સામે ચેમ્બરમાં વિરોધનો ગણગણાટ

અમદાવાદ: ગુજરાત ચેમ્બર અૉફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અાજે સાંજે મળનારી કારોબારી કમિટીની બેઠકમાં ચેમ્બરના બંધારણના નિયમમાં ટર્મના મામલે સુધારો કરવામાં અાવનાર છે. જે અંગે અા બેઠકમાં કેટલાક સભ્યો વિરોધ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં અાવી રહી છે. અા ઉપરાંત અા બેઠકમાં ગાંધીનગર ખાતે ચેમ્બર દ્વારા યોજાનાર મહાસંમેલનના અાયોજન અંગે પણ ચર્ચા કરવામાં અાવશે.

ગુજરાત ચેમ્બર અૉફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અાજે સાંજે કારોબારી કમિટીની બેઠક ચેમ્બર પ્રમુખ રોહિત જે. પટેલના અધ્યક્ષસ્થાને મળશે. અા બેઠકમાં ચેમ્બરના બંધારણના નિયમોમાં કેટલાક સુધારા-વધારા કરવામાં અાવનાર છે, જેમાં સૌથી મહત્ત્વનો સુધારો એ છે કે ચેમ્બરમાં કોઈ પણ સતત ચાર ટર્મ કે તેથી વધુ સમય સુધી કારોબારી કમિટી કે અન્ય કમિટીના હોદ્દા ઉપર રહેલા હોય તેવા સભ્યો સળંગ હોદ્દો ભોગવી નહીં શકે. અાવા સભ્યોએ હવે પછી એક કે બે ટર્મનો ગેપ લેવાનો રહેશે. અા સુધારા અંગે અાજની બેઠકમાં કેટલાક સભ્યો ‍દ્વારા વિરોધ કરવામાં અાવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં અાવી રહી છે, જેમાં ખાસ કરીને મહાજન સાથે સંકળાયેલા હોય તેવા સભ્યો અગ્રેસર રહે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

અા ઉપરાંત સભ્ય નોંધણીની પ્રક્રિયા નવેમ્બરથી જાન્યુઅારી એમ માત્ર ત્રણ મહિના દરમિયાન ચાલે છે તેને બદલે સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રાખવાનો ઠરાવ કરવામાં અાવનાર છે, જોકે અા ઠરાવ સામે કોઈ વિરોધ ન હોવાથી સર્વાનુમતે બહાલી અપાય તેવી શક્યતા છે. અા ઉપરાંત અા બેઠકમાં ચેમ્બર દ્વારા અાગામી તા. 29 અને 30 એ‌િપ્રલના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારા મહાસંમેલન (સેમિનાર કમ એ‌િક્ઝબિશન) અંગે ચર્ચા કરવામાં અાવશે.

અા મહાસંમેલનમાં ગુજરાત ઉપરાંત દેશભરમાંથી સ્મોલ એન્ડ મિડિયમ ઇન્ડસ્ટ્રી (એસએમઈ)ના અગ્રણીઅો ભાગ લેશે તેમજ એસએમઈના અગ્રણીઅોને માર્ગદર્શન મળી રહે તે માટે દેશની મોટી મોટી કંપનીઅોના સીઈઅો તેમજ અગ્રણીઅોના સેમિનાર અને સંવાદનું પણ અાયોજન કરાયું છે.

ચેમ્બર પ્રમુખ રોહિત જે. પટેલે જણાવ્યું હતું કે બંધારણીય કમિટી દ્વારા નિયમમાં ફેરફાર કરવાની દરખાસ્ત અાવી હતી. જેને બહાલી અાપવા અાજની બેઠકમાં રજૂ કરવામાં અાવનાર છે. કોઈ પણ ઠરાવ કે દરખાસ્ત અંગે દરેક સભ્ય સહમત હોય તે જરૂરી નથી. ચર્ચાના અંતે સર્વાનુમતે કે બહુમતીથી નિર્ણય લેવાતો હોય છે તેમ અા ઠરાવ અંગે પણ કાર્યવાહી કરાશે.

You might also like