અમદાવાદની વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસમાં કશ્મકશ, સ્ક્રીનિંગ કમિટી માટે સક્ષમ ઉમેદવારની પસંદગી પડકારરૂપ બની

અમદાવાદ: શુક્રવાર સાંજથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પસંદગીની કવાયત હાથ ધરાઇ હતી સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન બાળાસાહેબ થોરાટની અધ્યક્ષતામાં સતત ત્રણ દિવસ સુધી બેઠકના દોરનો ધમધમાટ થયો હતો. જે દરમ્યાન કુલ ૧૮ર બેઠકો પૈકી ૭૦થી વધુ બેઠકો માટે કશ્મકશ હોઇ સ્ક્રીનિંગ કમિટી માટે સક્ષમ ઉમેદવારની પસંદગી પડકારરૂપ બની છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો શહેરની બાપુનગર, અમરાઇવાડી, જમાલપુર, નિકોલ, ઠક્કરબાપાનગર અને વટવા બેઠક માટે કોંગ્રેસમાં આપસમાં તીવ્ર સ્પર્ધાનો માહોલ છે.

અમદાવાદ ભાજપનો ગઢ ગણાતો હોઇ ગઇ ચૂંટણીમાં કોંગ્રેસને દરિયાપુર અને દાણીલીમડા એમ બે બેઠક પર જ જીત મેળવીને સંતોષ માનવો પડ્યો હતો. જોકે જમાલપુરની બેઠક ભાજપ માટે બગાસું ખાતાં પતાસું આવ્યું હોય તેમ અનાયાસે જ મળી હતી, અલબત્ત, આ ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર ઉપરાંત એ‌િન્ટ ઇન્કમબન્સીના કારણે કોંગ્રેસ માટે શહેરના મધ્ય અને પૂર્વ વિસ્તારમાં ફતેહ મેળવવા માટેનું સારું ચિત્ર ઉપસ્યું છે.

શહેરની ૧૬ બેઠક પૈકી પશ્ચિમ અમદાવાદની ઘાટલોડિયા, નારણપુરા, એલિસબ્રિજ, સાબરમતી જેવી બેઠક છોડતાં પક્ષ હાઇકમાન્ડ બાપુનગર, અમરાઇવાડી, જમાલપુર, દરિયાપુર, વટવા, નિકોલ બેઠક માટે દ્વિધામાં મુુકાયું છે, કેમ કે આ બેઠકો એવી છે કે જેમાં કોંગ્રેસના ત્રણથી વધુ સક્ષમ ઉમેદવારો ઉપરાંત પાસના અગ્રણીઓની ટિકિટની માગણી છે. ખાસ કરીને બાપુનગર, અમરાઇવાડી, નિકોલ અને ઠક્કરબાપાનગરમાં પાસના દાવેદારો ઊભર્યા છે. અમુક દાવેદારોએ ચૂંટણી લડવા માટે પક્ષ પાસે લાખો રૂ‌પિયાનું ફંડ માગતાં આ બાબત પણ ચર્ચાસ્પદ બની છે.

દરમ્યાન પ્રદેશ કોંગ્રેસનાં સૂત્રો કહે છે, અમદાવાદની બેઠકોનો નિર્ણય લેવા માટે ટૂંક સમયમાં ફરીથી સ્ક્રીનિંગ કમિટી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં કવાયત હાથ ધરશે. છેલ્લી મળેલી સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં પ્રથમ તબક્કા હેઠળની સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મહદંશે નિર્ણય લેવાયો હતો.

You might also like