હાર્દિક બનવું જ પડકાર રૂપ છે!

‘ભીખ નહીં, હક્ક માગીએ છીએ’, ‘પાટીદાર છીએ, અનામત લઈને જ જંપીશુ’ અને ‘જય સરદાર-જય પાટીદાર’ જેવાં જુસ્સાભેર ભાષણો એક સમયે મંચ પરથી સાંભળવા મળ્યાં હતાં. પરંતુ રીલ લાઈફમાં આ ભાષણો એ જ છટાથી હવે રૂપેરી પરદે જોવા-સાંભળવા મળશે. પાટીદાર અનામત આંદોલનના હીરો હાર્દિક પટેલ પર ગુજરાતી ફિલ્મ ‘પાવર ઓફ પાટીદાર’ બની રહી છે, જે ઝડપથી રૂપેરી પરદે પ્રદર્શિત થવાની શક્યતા છે.

ગુજરાતના રાજકારણ અને સમાજકારણમાં એક વર્ષ પહેલાં જેને કોઈ ઓળખતું નહોતું એવો હાર્દિક પટેલ અનામત આંદોલનને કારણે હીરો બની ગયો છે. ગુજરાતમાં બે દાયકાથી શાસન કરનાર ભાજપ સરકારને એકલા જ ધ્રુજાવનાર હાર્દિકની આંદોલન સંદર્ભે રાજદ્રોહ સહિતની કલમો લગાવીને ધરપકડ કરવામાં આવી ત્યારે તેનાં પર ફિલ્મ બનાવવાનો મહેશ પટેલ અને કેટલાક સાહસિકોએ નિર્ણય કર્યો હતો.

જોકે ફિલ્મ માટે હાર્દિકની ભૂમિકા કોણ અદા કરશે તે મોટો પડકાર હતો. અંતે મૂળ સૌરાષ્ટ્રના બાલંભા ગામના વતની અને સુરતમાં રહેતા ત્રીસ વર્ષિય કલાકાર સંજય દેવ પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. બોડી લેંગ્વેજ, ઉંમર અને ચહેરાના ગેટઅપને લઈને હાર્દિકની ભૂમિકા એકદમ પડકારજનક હતી. જોકે ફિલ્મમાં સંજયે તેને બખૂબી નિભાવી છે.

હાર્દિકના પરિવાર સાથે મુલાકાત કરી
શૂટિંગ માટે રાજકોટમાં આવેલા રીલ લાઈફ હાર્દિક એટલે કે સંજય દેવે કહ્યું કે, “હાર્દિકની ભૂમિકા ભજવવી પડકારજનક છે. આ રોલને પરદે જીવંત કરવા મેં ઘણો અભ્યાસ અને રિસર્ચ કર્યું છે.

અનામત આંદોલન સંદર્ભનાં ભાષણો અને લાઈવ વીડિયો ફૂટેજ જોયાં, હાર્દિકના પરિવારજનો સહિત આંદોલન સમિતિના કન્વીનરોને મળ્યો, હાર્દિકે જ્યાં સભા અને કાર્યક્રમો કર્યા એ સ્થળોની મુલાકાત પણ લીધી અને આંદોલન સંદર્ભના રિઅલ કાર્યક્રમોમાં ભાગ પણ લીધો છે. એક કલાકાર તરીકે હાર્દિકના પાત્રને યોગ્ય ન્યાય મળે તે માટે મેં તમામ પ્રયાસો કર્યા છે.”

આંદોલનને પરદે પ્રદર્શિત કરવાનો પ્રયાસ
સંજય કહે છે, ” ફિલ્મનું શૂટિંગ સુરત, અમદાવાદ, રાજકોટ, બોટાદ, વીરમગામ સહિતના સ્થળોએ કરાયું છે. અનામતની પીડાને કારણે આંદોલન જે રીતે રાજ્યભરમાં દાવાનળની જેમ ફેલાયું તેને કલાના માધ્યમથી પરદે દર્શાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ફિલ્મ સંવેદનશીલ મુદ્દા પર છે, જે ગુજરાતી ઉપરાંત અન્ય ત્રણ ભાષામાં બની રહી છે. હાલ શૂટિંગ અંતિમ તબક્કામાં છે અને ઝડપથી તે રૂપેરી પરદે પ્રદર્શિત થાય તેવી આશા છે. અંદાજે એક કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મમાં રઝા મુરાદ અને જયશ્રી ટી જેવા બોલિવૂડના કલાકારોએ ભૂમિકા ભજવી છે.”

પોતાની કારકિર્દી અંગે સંજય દેવ કહે છે, “મેં અત્યાર સુધીમાં ૩પ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે, તેમાં ‘સેવન ડે’ ફિલ્મનો પણ સમાવેશ થાય છે.” સંજય ત્રણ વર્ષનો હતો ત્યારથી તેનો પરિવાર બાલંભાથી સુરત આવીને વસ્યો હતો. સંજયને નાટ્ય અને કળામાં ખૂબ જ રસ હતો. પ્રથમ ફિલ્મ ‘જોજો સાયબા રંગ જાય ના’થી શરૂઆત કરનાર સંજય ૧ર વર્ષથી ગુજરાતી ફિલ્મક્ષેત્રે કાર્યરત છે.

‘મોટા ઘરનાં માન’, ‘વહેલા આવજો વીર’, ‘હવે મારે હીરા નથી ઘસવા’ જેવી ફિલ્મોમાં પણ તે કામ કરી ચૂક્યો છે. અનામત અંગે શું કહેવું છે? અનામતની માગ વાજબી છે? એવા સવાલના જવાબમાં તે કહે છે, “હું એક કલાકારની દ્રષ્ટિએ હાર્દિકની રિઅલ લાઈફ અને અનામતના વિષયને જોઈ રહ્યો છું. દરેકના વ્યક્તિગત વિચારો જુદાજુદા હોઈ શકે છે. આવા મુદ્દે દરેક વર્ગ અને વ્યક્તિ સાચાં હોય તેમ પણ બને. જોકે એક કલાકાર તરીકે આ વિષય અને ભૂમિકાને પરદે નિભાવવી મારા માટે મહત્ત્વનાં છે.”

અંતે ગુજરાતી ફિલ્મો અંગે તે કહે છે, “ગુજરાતી ફિલ્મોમાં શરૂ થયેલા અર્બન ટ્રેન્ડે દર્શકોને મલ્ટિપ્લેક્સ સુધી પહોંચાડ્યા છે. ગુજરાતી ફિલ્મોનું ભાવિ ઉજ્જવળ છે. ગુજરાત સરકારે પણ એબીસીડી જેવા ગ્રેડ આપીને ફિલ્મોને પ્રોત્સાહન આપ્યું છે, ત્યારે ગુજરાતી ફિલ્મો અને કલાકારો માટે આવનારા દિવસો વધુ સારા હશે તે નક્કી છે.”

દેવેન્દ્ર જાની

You might also like