જયપુર: રાજસ્થાનનાં પાઠ્યપુસ્તકોમાં હજુ પણ અકબરની મહાનતાને અોછી અાંકવાની ઘટના પરનો વિવાદ રોકાયો નથી અને હવે નવા વિવાદ શરૂ થઈ ગયા છે. અા વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક સંસ્થાકીય મુખપત્રમાં મહાન સમ્રાટ અશોકને ભારતીય ઇતિહાસના ખલનાયક ગણાવાયા છે, એટલું જ નહીં બૌદ્ધ ધર્મની પણ ટીકાઅો કરાઈ છે.
અારઅેસઅેસના અોર્ગેનાઈઝેશન રાજસ્થાન વનવાસી કલ્યાણ પરિષદના મુખપત્ર ‘બપ્પા રાવલ’ના ૨૦૧૬ના અંકમાં પ્રસિદ્ધ થયેલા ‘ભારતઃ કલ અાજ અૌર કલ’ લેખમાં અા વાત કહી હતી. મુખપત્રનાં સંપાદક ડો. રાધિકા લઢાઅે અા લેખ લખ્યો છે, તેમાં સમ્રાટ અશોકની મહાનતા પર સવાલ કરતાં કહેવાયું છે કે મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ અશોકના કારણે જ ભારતીય રાષ્ટ્ર પર સંકટનો પહાડ તૂટ્યો અને યુનાની હુમલાખોર ભારતને પદાક્રાંત (પગ નીચે કચડવા) અાવ્યા.
એમ પણ કહેવાયું છે કે તે ભારતનું દુર્ભાગ્ય રહ્યું કે અશોક ભારતીય રાષ્ટ્રની પડતીનું કારણ બન્યા. અાપણે અશોક મહાન કહીને તેમની પૂજા કરી. રાજા અશોક પણ ભગવાન બુદ્ધની જેમ સામ્રાજ્ય ત્યાગીને બૌદ્ધ ધર્મના પ્રચારમાં લાગી જાત તો સારું હતું. તેનાથી ઊલટું તેમણે તમામ સામ્રાજ્યને જ બૌદ્ધધર્મ પ્રચારક િવશાળ મઠના રૂપમાં બદલી દીધું. અા કારણોથી જ યુરોપથી એક વાર ફરી ગ્રીક હુમલાખોરો ભારતને કચડવા અાવી ગયા. મુખપત્ર પ્રસિદ્ધ કરનાર અોર્ગેનાઈઝેશનના રાજ્ય સંગઠન પ્રધાન રાજારામે જણાવ્યું કે ડો. રાધિકાઅે જે લખ્યું છે તે સાચું જ છે. માઉથ પીસના લેખમાં ૧૧ નંબરના પેજ પર બૌદ્ધ ધર્મની ટીકાઅો કરાઈ છે, જ્યારે પેજ નંબર ૧૨ પર બૌદ્ધ ધર્મ સ્વીકાર કરનાર કનિષ્કને વિદેશી કહેવાયા છે. ભારતીય ઇતિહાસમાં અશોક અને કનિષ્કની ગણતરી મહાન શાસકોમાં કરાઈ છે. ભારતીય ઇતિહાસકારોની નજરમાં હિંસા અને યુદ્ધના માહોલની વચ્ચે પણ અશોક ત્રણ જ વર્ષમાં શાંતિ સ્થાપિત કરવા માટે જાણીતા છે.
દુનિયાભરના ઇતિહાસકારો તેમને માનવતાવાદી માને છે. ઇતિહાસકારો અા લેખિકાના વિચારોને ખોટા ગણે છે. તેઅો કહે છે કે તે સમયની પરિસ્થિતિ કંઈક અલગ હતી. અા અંગે સંપાદક ડો. રાધિકા કહે છે કે અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને પછી તેને જ રાજધર્મ બનાવી દીધો.