ચૈત્ર માસ ‘મધુ માસ’ કહેવાતો હોવાથી છે ખૂબ પવિત્ર….

ચૌદ મન્વંતર પૂરા થાય એટલે બ્રહ્મદેવનો એક દિવસ પૂર્ણ થાય. તેને કલ્પ કહેવાય છે. ચૈત્ર સુદ એકમના દિવસને કલ્પાદિ કહેવાય છે. ચાલુ વર્ષે તા.ર૮ માર્ચ ર૦૧૭ને મંગળવારથી ચૈત્ર માસનો પ્રારંભ થાય છે. ચૈત્ર સુદ એકમે શાલિવાહન શક બદલાય છે. ચૈત્ર સુદ એકમના દિવસે ગુડી પડવો તથા ચૈત્રી નવરાત્રિ હોય છે. એકમથી નોમ સુધી વાસંતી નવરાત્રિ હોય છે. જેમાં માની ભકિત તથા પૂજન અર્ચન કરવામાં આવે છે. જેનું શુભ ફળ જે તે સાધકને અવશ્ય પ્રાપ્ત થાય છે.

ચૈત્ર સુદ એકમને સૃષ્ટિનો પ્રારંભ દિન કહેવાય છે. શાસ્ત્રો અનુસાર જોઇએ તો બ્રહ્માજીએ ચૈત્ર સુદ એકમેે સૃષ્ટિનો પ્રારંભ કર્યો છે. આ દિવસે સિંધી સમાજનો ખૂબ જ પ્રિય તહેવાર, ઉત્સવ ચેટી ચાંદ હોય છે. ચેટી ચાંદના દિવસે વરુણદેવ સ્વરૂપના આલેલાલ ઝુલેલાલનાં પૂજન અર્ચન થતાં હોય છે..

ભગવાન વિષ્ણુએ પોતાનો મત્સ્યાવતાર ચૈત્ર સુદ બીજના દિવસે લીધો હતો. આ પાછળનું કારણ બ્રહ્માજીને નિદ્રા આવતાં તેમના શરીરમાંથી ચારેય વેદ નીકળી પડે છે. તેને હયગ્રીવ નામનો રાક્ષસ હરણ કરી જાય છે. તેમને પાછા લાવવા ભગવાન વિષ્ણુએ મત્સ્યાવતાર લીધો હતો. આથી આ માસમાં વિષ્ણુ પૂજન વધુ થતું જોવા મળે છે. ચૈત્ર માસમાં દેવતાઇ અવતાર બહુ થયા છે. તેમાં સૌ પ્રથમ મત્સ્ય જયંતી, ભવાની પ્રાગટય, સ્કંદષષ્ઠી, શ્રી રામનવમી, સહજાનંદ સ્વામી જયંતી, ધર્મરાજ દશમી, મહાવીર જયંતી, હાટકેશ્વર જયંતી, હનુમાન જયંતી, વલ્લભાચાર્ય જયંતી, આંબેડકર જયંતી વગેરે આવતા હોય છે.

ચૈત્ર માસ ખૂબ જ પવિત્ર છે. ચૈત્ર માસમાં જે બાળકો જન્મે તે ખૂબ મીઠાં સ્વભાવના તથા આનંદી હોય છે. તે ખૂબ સુખી થાય છે. મોટા થયા પછી તેઓ બહુ ધનવાન બનતા હોય છે. તેવું મોટા ભાગના જ્યોતિષીઓનું કહેવું તથા માનવું છે.

ચૈત્ર માસ ખૂબ પવિત્ર છે. તેમાં આટલી બધી જન્મ જયંતી આવવાથી આ માસને મધુ માસ પણ કહેવાય છે. આ માસમાં ગરમીનું પ્રમાણ વધતું હોય છે તેથી ઠંડીના કારણે ઠીંગરાઇ ગયેલી વનસ્પતિ તથા અન્ય જીવને ચેતન મળે છે. લગભગ દરેક સજીવ આનંદમાં આવતો જોવા મળે છે. વનસ્પતિ નવા રૂપરંગ ધારણ કરે છે. સામાન્ય રીતે સુદ પૂનમ કે વદ એકમે જે તે માસનું નક્ષત્ર ચાલતું હોય છે. તેથી જે તે માસનું નામ પડે છે.

ચૈત્ર સુદ પૂનમ અથવા ચૈત્ર વદ એકમે ચિત્રા નક્ષત્ર ચાલતું હોય છે. તેથી ચિત્રા નક્ષત્રના નામ ઉપરથી ચૈત્ર માસનો પાર્દુભાવ થયો છે. તેવી જ રીતે કૃતિકા નક્ષત્ર ઉપરથી કારતક, મૃગશીર્ષ નક્ષત્ર ઉપરથી માગશર, પુષ્ય નક્ષત્રથી પોષ માસ, મઘા નક્ષત્ર ઉપરથી મહા નામ પડયું છે. તેવી જ રીતે ભાદ્રપદથી આસો માસ અર્થાત્ અશ્વિન માસ નામ પડયું છે. ખરેખર ચૈત્ર માસ ખૂબ ઉત્તમ છે. તે માસ મધુ માસ કહેવાતો હોવાથી આ માસ ખૂબ પવિત્ર મનાય છે. – શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like