મીરજાપુર ખાતેની ગ્રામ્ય કોર્ટના મહિલા સુપરિન્ટેન્ડેન્ટના ગળામાંથી ચેઈન લૂંટાઈ

અમદાવાદ: શહેરની મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતાં હીનાબહેન ભટ્ટે મ‌ણિનગર પોલીસ સ્ટેશનમાં ૧પ દિવસ પછી ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ૧ જુલાઇના રોજ હીનાબહેન મોર્નિંગ વોકમાં નીકળ્યાં હતાં તે સમયે એ‌ક્ટિવા પર આવેલા યુવકો તેમના ગળાની ચેઇન ખેંચીને ફરાર થઇ ગયા હતા. પોલીસ ચેઇન સ્નેચરોને પકડી પાડશે તેવું વિચારીને હીનાબહેને ૧પ દિવસ પછી ફરિયાદ કરી છે.

મણિનગર વિસ્તારમાં આવેલ સહારા એપાર્ટમેન્ટમાં રહેતાં અને મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતાં હીનાબહેન ભટ્ટ (ઉ.વ.પપ)એ મ‌િણનગર પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા યુવકો વિરુદ્ધમાં ચેઇન સ્ને‌િચંગ કરવા બદલ ફરિયાદ કરી છે.

ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે તારીખ ૧ જુલાઇના રોજ હીનાબહેન કાંક‌િરયા ખાતે મોર્નિંગ વોક માટે ગયાં હતાં. મોર્નિંગ વોક કરીને હીનાબહેન પરત આવતાં હતાં તે સમયે એ‌િક્ટવા પર આવેલા બે અજાણ્યા શખ્સો તેમના ગળામાંથી ૪પ હજાર રૂપિયાની સોનાની ચેઇન ખેંચીને ફરાર થઇ ગયા હતા.

હીનાબહેને બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઇ ગયા હતા, જોકે ચેઇન સ્નેચરો એ‌ક્ટિવા લઇને રામબાગ તરફ જતા રહ્યા હતા. તે સમયે હીનાબહેન મ‌િણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયાં હતાં, જોકે પોલીસે તેમની અરજી લઇને તપાસ શરૂ કરી હતી.

ગઇ કાલે હીનાબહેને મણિનગર પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે, જેમાં મણિનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ મામલે હીનાબહેને જણાવ્યું છે કે ચેઇન સ્નેચરોએ ચેઇન તોડ્યા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયાં તે સમયે પોલીસે ફરિયાદની જગ્યાએ અરજી આપવાનું કહ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે અરજીની તપાસમાં જો આરોપીઓ પકડાઇ જાય તો પોલીસ સ્ટેશનથી તમારો મુદ્દામાલ મળી જશે. ૧પ દિવસમાં આરોપીઓ પકડાઇ જશે તેવું કહેતાં અમે પહેલાં અરજી આપી હતી. પોલીસે આરોપીને નહીં પકડતાં ગઇ કાલે ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

You might also like