શેલ્બી હોસ્પિટલ પાસે શેર બ્રોકરના ગળામાંથી સોનાની ચેઇન લૂંટાઇ

શહેરમાં ફરી એકવાર ચેઇન સ્નેચરે તરખાટ મચાવ્યો છે. મહિલાઓ રસ્તામાં જતી વખતે પોતાના દાગીના હવે સાચવતી હોવાથી ચેઇન સ્નેચરે પુરુષોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. સેટેલાઇની શેલ્બી હોસ્પિટલ નજીક ઊભેલા શેરબ્રોકરના ગળામાંથી વહેલી સવારે ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો છે. આનંદનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ સેટેલાઇટના રામદેવનગર પાસે આવેલી નટવર શ્યામ સોસાયટીમાં દીપલ દિલીપભાઇ શાહ (ઉ.વ.૪૧) રહે છે. દીપલભાઇ ઘરે બેઠા શેરબજારનું કામકાજ કરે છે. ગઇ કાલે વહેલી સવારે તેમના મિત્ર ભદ્રેશભાઇનું ઓફિસનું કામ હોવાથી તેમણે ભદ્રેશભાઇએ શેલ્બી હોસ્પિટલ પાસે બોલાવ્યા હતા.

દીપલભાઇ પોતાનું એક્ટિવા લઇ શેલ્બી હોસ્પિટલ પાસે ઊભા હતા ત્યારે એક બાઇક પર બે અજાણ્યા માણસ હેલ્મેટ પહેરીને આવ્યા હતા. બાઇકસવાર દીપલભાઇની એકદમ નજીક જઇ ગળામાં રહેલી સોનાની ત્રણ તોલાની ચેઇન કિંમત રૂ.૭૦,૦૦૦ની ખેંચી પ્રહ્લાદનગર ગાર્ડન તરફ ફરાર થઇ ગયા હતા.

ચેઇન ખેંચાતાં તેઓએ બૂમાબૂમ કરી હતી અને લોકો ભેગા થઇ ગયા હતા. પરંતુ બાઇક સવાર ત્યાંથી દૂર નાસી છૂટ્યા હતા. આ અંગે તેઓએ આનંદનગર પોલીસને જાણ કરતાં પોલીસે દીપલભાઇની ફરિયાદ નોંધી આસપાસના સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
થોડા દિવસ અગાઉ પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર મોર્નિંગ વોકમાં નીકળેલા સીએના ગળામાંથી ચેઈન ખેંચાઇ હતી.

http://sambhaavnews.com/

You might also like