પહેલીવાર ચેઈન સ્નેચિંગ કરવા નીકળ્યો અને ઝડપાઈ ગયો

અમદાવાદ: શહેરમાં ચેઇનસ્નેચરો તરખાટ મચાવી રહ્યા છે ત્યારે હવે નવયુવાનો પણ પોતાનું કામકાજ ભૂલીને ચેઇન સ્નેચિંગ કરવાનો રસ્તો અપનાવી લીધો છે આવો જ એક કિસ્સો રામોલ વિસ્તારમાં સામે આવ્યો છે. ઓટો ગેરેજમાં કામ કરતા એક યુવકે શોર્ટકટથી રૂપિયા કમાવા માટે ચેઇન સ્નેચિંગનો રસ્તો અપનાવ્યો. જોકે ચેઇન સ્નેચિંગનો પહેલો ગુનો સફળ થાય તે પહેલાં યુવક પોલીસ સંકજામાં આવી ગયો છે.

ગઇ કાલે વહેલી સવારે રિક્ષામાં જતી એક મહિલાના ગળામાંથી યુવકે ચેઇન સ્નેચિંગ કરવાની કોશિષશ કરી હતી. પરંતુ એકાએક બાઇક પરનો કાબૂ ગુમાવતાં યુવક જમીન પર પટકાયો હતો. જ્યાં સ્થાનિકોએ તેને રંગેહાથ પકડી પાડીને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો.

રામોલ વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા પ્રવીણાબહેન રાજેશભાઇ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં એક ચેઇન સ્નેચર વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.  ગઇ કાલે સવારે પ્રવીણાબહેન અને તેમના પડોશમાં રહેતા મીનાબહેન રામોલ વિસ્તારમાં આવેલ ગીરીવર સોસાયટીમાં બેસણાંનો પ્રસગ પતાવીને ઘરે રિક્ષામાં પરત ફરતાં હતાં ત્યારે એક બાઇક પર આવેલા યુવકે પ્રવીણાબહેને ગળામાં પહેરેલી ચેઇન ખેંચી હતી. પ્રવીણાબહેનને ચેઇન સ્નેચિંગ થયા હોવાનો ખ્યાલ આવી જતાં તેમને ચેઇન પકડી રાખી હતી. જેથી યુવકે પોતાના સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને જમીન પર પટકાયો હતો.

એક રિક્ષા ચાલકે તેની રિક્ષા સાઇડમાં ઊભી કરીને ચેઇન સ્નેચિંગ કરવા માટે આવેલા યુવકને રંગે હાથ પકડી લીધો હતો. જ્યારે આ ઘટના જોઇ રહેલા સ્થાનિકો પણ દોડી આવ્યા હતા અને યુવકને મેથીપાક ચખાડ્યો હતો.

દરમિયાનમાં ઘટનાની જાણ રામોલ પોલીસને થતાં તે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને યુવકની ધરપકડ કરી હતી તેની પૂછપરછમાં તેનું નામ મોઇનખાન ફિરોઝખાન પઠાણ (રહે નસીમપાર્ક, રામોલ) હોવાનું ખૂલ્યુ હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૦ વર્ષનો મોઇનખાન એક ગેરેજમાં કામ કરે છે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે પહેલીવાર ચેઇન સ્નેચિંગનો ગુનો કરવા માટે નીકળ્યો હતો.

You might also like