શાહીબાગમાં રક્ષાશક્તિ યુનિ. પાસે બે મહિલાનાં ગળામાંથી ચેઈન સ્નેચિંગ

અમદાવાદઃ જો તમે શહેરમાં રાતે સોનાના દાગીના પહેરીને ટુ-વ્હીલર પર કે ચાલતાં જતાં હો તો સાચવજો. ચેઈન સ્નેચરો હવે ગમે તે સમયે ત્રાટકે છે. શહેરમાં દિન-પ્રતિદિન ચેઇન સ્ને‌ચિંગનાં બનાવ ઉત્તરોત્તર વધતાં પોલીસ ચેઇન સ્નેચરોને પકડવા માટે લાચાર બની છે. શહેરમાં ચેઇન સ્નેચરો એ હદે બેખોફ થઇ ગયા છે અને તે ગમે ત્યાં આવી ઘટનાને અંજામ આપે છે.

શહેરનાં શાહીબાગ વિસ્તારમાં આવેલા એક જ પોલીસ સ્ટેશનમાં બે ચેઇન સ્નેચિંગની ફરિયાદ દાખલ થઇ છે, જેમાં માત્ર અડધો કિલોમીટરના અંતરે બે ચેઇન સ્નેચિંગની ઘટના ઘટી છે. શાહીબાગ વિસ્તારમાં આવેલ ઓમ વીલા ટાવરમાં રહેતાં આનંદીબહેન રાઠોડ (ઉ.વ.પર) તેમના પરિવાર સાથે રહે છે. આનંદીબહેન અસારવા ખાતે યુએન મહેતા હોસ્પિટલમાં મેટ્રન તરીકે ફરજ બજાવે છે અને તેમનાં પતિ આણંદ ખાતે આવેલ હનુમાનપુરા પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ છે.

ગઈ કાલે રાત્રે આનંદીબહેન અને તેમના પતિ જમીને ચાલવા માટે નીકળ્યા હતા. ચાલતાં ચાલતાં રક્ષાશક્તિ યુનિવર્સિટી પાસેથી પસાર થતાં હતાં ત્યારે તેમની પાછળથી બાઈક પર એક શખ્સ આવ્યો હતો. બાઇકચાલક તેમની નજીક અાવીને બાઈક ધીમું કરીને આનંદીબહેનના ગાળામાં રહેલો સોનાનો દોરો રૂ.૩પ૦૦૦નો તોડીને ઓમ ટાવર તરફ ફરાર થઇ ગયો હતો.

જ્યારે આ વિસ્તારમાં થોડે આગળ આ શખ્સ બીજી એક મહિલાની ચેઇન તોડીને ફરાર થઇ ગયો હતો. પારુલબહેન શાહીબાગમાં આવેલ અનાજ ગોડાઉનની ચાલીમાં રહે છે. પારુલબહેન રક્ષાશક્તિ યુનિવ‌િર્સટીથી થોડે આગળ ચાલતાં ચાલતાં જતાં હતાં ત્યારે બાઇક પર આવેલ શખ્સ તેમના ગળામાંથી ર૦ હજાર રૂપિયાની સોનાની ચેઇન ખેંચીને નાસી ગયો હતો. શાહીબાગ પોલીસે આ મામલે ચેઇન સ્નેચર વિરુદ્ધમાં બે ગુના નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે પોલીસે તમામ વિસ્તારમાં ચેઇન સ્નેચરોને પકડવા માટે સર્વેલન્સ ચાલુ કર્યું હતું. ચેઇન સ્નેચરોને પકડવા માટે બનાવેલ હોક સ્કવોડ પણ કાર્યરત છે તેમજ અલગ અલગ ગાર્ડન અને મોર્નિંગ વોકનાં સ્થળે નાઇટ ડ્રેસમાં ખાનગી રીતે ગોઠવાઇને ચેઇન સ્નેચર પર નજર રાખવાનું શરૂ કર્યું હતું તેમ છતાં ચેઇન સ્ને‌ચિંગનાં બનાવ બની રહ્યાં છે.

You might also like