શહેરમાં ચેઇન સ્નેચરોનો તરખાટઃ મહિલાઓનાં ગળાની ચેઇન આંચકી ગઠીયા રફુચક્કર

અમદાવાદઃ શહેરમાં ચેઇન સ્નેચરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. વેજલપુર અને શાહીબાગ વિસ્તારમાં ચેઇન સ્નેચરોએ મહિલાનાં ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને ફરાર થઇ ગયાં છે. જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલ સત્યનારાયણ સોસાયટીમાં રહેતા જલ્પાબહેન અનીકેતભાઇ ગોહિલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

જલ્પાબહેન વેજલપુર રોડ પર આવેલ માનવમંદિર પાન પાર્લર તરફથી ચાલતા ચાલતા જતા હતાં ત્યારે બાઇક પર આવેલા બે શખ્સો તેમના ગળામાંથી ૧પ હજાર રૂપિયાની સોનાની ચેઇન ખેંચીને નાસી ગયાં હતાં. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે તો શાહીબાગ વિસ્તારમાં આવેલ નારાયણ કોમ્પ્લેકક્સમાં રહેતા દક્ષાબહેન હસમુખભાઇ રાઠોડે પણ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

દક્ષાબહેન શાહીબાગ રચના સ્કૂલ પાસેથી પસાર થતાં હતા ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ તેમનાં ગળામાંથી ર૦ હજાર રૂપિયાની ચેઇન ખેંચીને લઇ ગયાં હતાં. શાહીબાગ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like