સ્ત્રીઓને ટાર્ગેટ બનાવી ચેઇન સ્નેચિંગ કરતો શખસ ઝડપાયો

અમદાવાદ: ટુવ્હીલર પર જતાં દંપતીઓ પૈકી પાછળ બેઠેલ સ્ત્રીઓને ટાર્ગેટ બનાવી ચેઇન સ્નેચિંગના સંખ્યાબંધ ગુના આચરનાર રીઢા ગુનેગારને ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ સઘન તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં બાઇક પર જતાં દંપતી પૈકી મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગના સંખ્યાબંધ બનાવો બનતાં આ પ્રકારના બનાવો અટકાવવા ક્રાઇમ બ્રાંચે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વોચ ગોઠવી હતી. દરમ્યાનમાં સચોટ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે દરિયાપુરના જોર્ડન રોડ પર દિલ્હી ચકલા બસ સ્ટેન્ડ પાસેથી જોયેબખાન નાદીરખાન બ્લોચ નામના શખસને આબાદ ઝડપી લઇ તેની તલાશી લેતાં પાંચ સોનાની ચેઇન અને એક મંગળસૂત્ર મળી આશરે રૂ.બે લાખના ઘરેણાં મળી આવ્યાં હતાં. આ શખસે બાપુનગર, ઇસનપુર, દાણીલીમડા, ઓઢવ, પાલડી, સરદારનગર અને વસ્ત્રાપુર વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપ કરવાના ગુના આચર્યા હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

You might also like