ચેઇન તો ઠીક બુટ્ટી પણ સલામત નથી

અમદાવાદ: શહેરમાં દિન-પ્રતિદિન ચેઇન સ્ને‌િચંગના બનાવ ઉત્તરોત્તર વધતાં ચેઇન સ્નેચરોને પકડવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે. ચેઇન સ્નેચરો પોલીસના ડર વગર બેખોફ થઇને મહિલાના ગળામાંથી ચેઇન ખેંચીને જતા હતા. હવે તેમની હિંમત એટલી વધી ગઇ છે કે મહિલાના કાનમાં પહેરેલી બુટ્ટીઓ પણ ખેંચવાનું શરૂ કર્યું છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ ખારીકટ કેનાલ પાસે શાક લેવા માટે નીકળેલી એક પરિણીતાના કાનમાંથી બુટ્ટી ખેંચીને બાઇક પર આવેલા બે શખ્સ ફરાર થઇ ગયા છે.

કૃષ્ણનગરમાં આવેલ જીમીપાર્ક સોસાયટીમાં રહેતાં મુન્નીબહેન રામબરનસિંહ તોમરે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બાઇક પર આવેલા બે શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે ગઇ કાલે મુન્નીબહેન શાક લેવા માટે ખારીકટ કેનાલ પાસે ગયાં હતાં તે સમયે બાઇક પર આવેલા બે શખ્સો તેમના કાનમાં રહેલી સોનાની બુટ્ટી ખેંચીને ફરાર થઇ ગયા હતા. દરમિયાનમાં બુટ્ટી ખેંચનાર શખ્સે મુન્નીબહેન સામે એક રૂમાલ ફેંક્યો હતો. મુન્નીબહેને રૂમાલ ખોલીને જોતાં તેમાં બે રૂપિયાનો સિક્કો હતો.

આ ઘટનામાં કૃષ્ણનગર પોલીસ ગઇ કાલે રાતે મુન્નીબહેનની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ત્રણેક મહિના પહેલાં નિકોલ વિસ્તારમાં રહેતી મીનાદેવી ચૌહાણ નામની મહિલાના ગળામાંથી ચેઇન અને કાનમાંથી બુટ્ટીઓ ખેંચીને ચેઇન સ્નેચરો ફરાર થઇ ગયા હતા.

You might also like