ત્રણ મિત્રોએ પહેલી જ વખત ચેઇન સ્નેચિંગ કર્યું અને પકડાઇ ગયા

અમદાવાદ: માર્ગ ભટકેલા કેટલાક યુવાનો મોજ શોખ પૂરા કરવા માટે ગુનાખોરીના રવાડે ચડતા હોય છે. શોર્ટકટથી રૂપિયા મેળવવાની લાલચે બહેરામપુરા વિસ્તારમાં રહેતા ત્રણ મિત્રોએ ગુનાની દુનિયાનો રસ્તો અપનાવ્યો. જોકે પહેલો ગુનો કર્યો ને પોલીસની ગિરફતમાં આવી ગયા છે. બે દિવસ પહેલા થયેલા ત્રણેય મિત્રોએ એક મહિલાના ગળામાંથી મંગળસૂત્ર તોડીને ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપ્યો હતો. તેમની પૂછપરછ દરમિયાન તેમણે મોજ શોખ પૂરા કરવા તથા દેવું ચુકવવા માટે ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી છે.

બે દિવસ પહેલા દાણીલીમડા વિસ્તારમાં આવેલા કમલા નહેરુ સ્કૂલની ગલીમાં રાજકુમારીબહેન (રહે દાણીલીમડા) નામની મહિલા પસાર થતાં હતાં ત્યારે બાઇક ઉપર આવેલા ત્રણ યુવકો તેમના ગળામાંથી મંગળસૂત્ર ખેંચીને ફરાર થઇ ગયા હતા. આ ઘટના મુદ્દે રાજકુમારીબહેને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગનો ગુનો દાખલ કરાવ્યો હતો

દાણીલીમડા પોલીસે નહેરુ સ્કૂલની ગલીમાં આવેલ એડીસી બેંકના સીસીટીવી ફુટેજના આધારે ભરત વાધેલા (ઉ.વ.૩ર પરીક્ષિતલાલનગર બહેરામપુરા) કિરણ સિંગારા (ઉ.વ.૩૩ પરીક્ષિતલાલનગર બહેરામપુરા) મનીષ પરમાર (ઉ.વ.ર૯ શાસ્ત્રીનગર)ની ઓળખ થતાં પોલીસે તેમની ધરપકડ કરી છે. આ મુદ્દે દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.રાણાએ જણાવ્યું છે કે ત્રણેય આરોપીઓ પ્રથમ વખત ગુનો કર્યો છે.

You might also like