દિવસે મજૂરી-રાત્રે બંગલામાં જ ચોરી કરતી ચડ્ડી બનિયાનધારી ગેંગ પકડાઈ

અમદાવાદ: અમદાવાદના થલેતજ-શિલજ રોડ ઉપર 5 દિવસ પહેલાં થયેલી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી ચડ્ડી બ‌િનયાનધારી ગેંગના ત્રણ સભ્યોની સોલા પોલીસે 5 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ ક‌ડિયા મજૂરના સ્વાંગમાં આવીને માત્ર બંગલામાં જ ચોરી કરીને ફરાર થઇ જતા હતા. સોલા પોલીસના જણાવ્યા અનુસાર તેમની પૂછપરછ દરમ્યાન બીજા અન્ય ચોરીના પણ ભેદ ખૂલે તેવી શક્યતાઓ છે.

3 ‌ડિસેમ્બરના રોજ થલતેજ પાસે આવેલા રઘુકુલ બંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેઓએ રઘુકુલ બંગલોઝના ત્રણ બંગલામાં લાખોની મતાની ચોરી કરી હતી. સોલા પોલીસે ત્રણ બંગલામાં થયેલી ચોરીના પગલે ચડ્ડી બ‌િનયાનધારી ગેંગના વિનોદ ભાભોર (રહે. ગામ-માતવા તાલુકાે-ગરબાડા, જિલ્લો-દાહોદ)ની ધરપકડ કરી હતી. પોલીસે અન્ય બે આરોપી રાજુ બારીયા, કાંતિ બારીયા (રહે. તાલુકો-ગરબાડા, ‌જિલ્લો-દાહોદ)ને સોના-ચાંદીના દાગીના સહિત 5 લાખ રૂપિયાના મુદ્દામાલની સાથે ગોતા ‌બ્રિજ પાસેથી પકડી લીધા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા ત્રણ તસ્કરો ચડ્ડી બ‌િનયાનધારી ગેંગના છે. દાહોદથી શહેરમાં બાંધકામની સાઇટ ઉપર ક‌ડિયા મજૂર તરીકે કામ કરવા માટે આવતા હતા. દિવસે કામ કરીને રાત્રે રેકી કરતા હતા. મજૂરીકામ પતાવીને તે પરત દાહોદ જતા રહેતા હતા. ફરીથી ચોરી કરવા અમદાવાદ એસટી બસ મારફતે આવી જતા હતા.

શટલ ‌રિક્ષા પકડીને ચોરી કરવાની જગ્યાએ પહોંચી જતા હતા અને મોડી રાતે ચડ્ડી અને ગંજી પહેરીને ચોરીના ગુનાને અંજામ આપતા હતા. સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. રાણાએ જણાવ્યું છે કે શહેરમાં થયેલી સંખ્યાબંધ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ છે.

You might also like