હવે સીજી રોડ પર આડેધર પાર્કિંગ કરનારાઓ પર થશે તવાઈ, સતત વધી રહ્યા છે રોડ પર લારી ગલ્લા

શહેરની રોનક ગણાતા સીજી રોડ પર પાર્કિંગની જગ્યાઓએ આડેધડ રીતે ખડકાતી ખાણી-પીણીના લારી-ગલ્લાથી ટ્રાફિક જામની સમસ્યા તો સર્જાય છે, પરંતુ રોડ પર આડેધડ રીતે પાર્ક કરીને પાસેના કોમર્શિયલ કોમ્પ્લેકસમાં કામ માટે રવાના થતાં ફોર વ્હીલર ચાલકોના ત્રાસથી પણ ટ્રાફિકના પ્રશ્નો વધ્યા છે. જોકે હવે મ્યુનિસિપલ સત્તાવાળાઓ આવા વાહનચાલકો સામે કડકાઇથી કામ લેવા જઇ રહ્યા છે.

સીજી રોડ વાહનોની અવરજવરથી વ્યસ્ત હોય છે. શહેરના કોમર્શિયલ હબ તરીકેે સીજી રોડની પ્રતિષ્ઠા છે. સીજી રોડના કારણે આશ્રમ રોડ પરની ઝાકમઝોળ ઝાંખી પડી છે. જોકે તંત્રની બેદરકારીથી લાંબા સમયથી સીજી રોડ પરના ટ્રાફિકના પ્રશ્નો વધ્યા છે.

શહેરના અન્ય વિસ્તારોની જેમ સીજી રોડ પણ ખાણી-પીણીના સતત વધતા જતા લારી-ગલ્લાના દબાણોથી ગ્રસ્ત બન્યું છે. ખાણી-પીણીના ખુમચાવાળા બેધડકપણે પાર્કિંગની જગ્યામાં પોતાના ખુમચા ઊભા કરીને ધંધો કરે છે. પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના કેટલાક અધિકારી તેમજ કર્મચારી દરરોજની રોકડી કરવામાં વ્યસ્ત હોઇ ખુમચાવાળાઓનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે.

આની સાથે સાથેે રોડ પર સર્વિસ રોડના ડિવાઇડર પાસે પાર્ક કરાતા ફોર વ્હીલરોથી પણ ટ્રાફિકનો પ્રશ્ન જટીલ બન્યો છે. જાણકાર સૂત્રો કહે છે કે પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરો વાહનચાલકો પાસેથી મનફાવે તેવા પાર્કિંગના ચાર્જ વસૂલતા હોઇ કેટલીક વખત રોડ પર વાહન પાર્ક કરાય છે. આ મામલે પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ બધાં કારણસર ખાસ કરીને સાંજના પિક અવર્સના સમયે તો સીજી રોડ પર સરળતાથી વાહન હંકારવાનું વાહનચાલકો માટે પડકારરૂપ બન્યું છે.

તાજેતરમાં મળેલી મ્યુનિસિપલ ઉચ્ચ અધિકારીઓની અઠવાડિક સમીક્ષા બેઠકમાં ખુદ કમિશનર મૂકેશકુમારે સીજી રોડ પરની ટ્રાફિક સમસ્યાની ગંભીરતાથી નોંધ લીધી હતી. સીજી રોડ પર પાર્ક કરાતાં ફોર વ્હીલર ચાલકો સામે કડકાઇથી કામ લેવા સંબંધિત એસ્ટેટ વિભાગને કડક તાકીદ કરી હતી. જોકે ચૂંટણીના માહોલમાં સીજી રોડ પર આડેધડ પાર્ક કરનારા વાહનચાલકો વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરવાની સંભવિત અભિયાનથી શાસક ભાજપ પક્ષના ઉચ્ચ હોદ્દેદારોમાં છૂપો ગભરાટ પ્રસરી ગયો હતો. શાસકોઅે તંત્ર સમક્ષ ચૂંટણીના સમયે આવી સંવેદનશીલ ઝુંબેશ હાથ ન ધરવાનો આગ્રહ સેવતા તેમાં બ્રેક લાગી ગઇ હતી.

જોકે હવે ચૂંટણી પતી ગઇ હોઇ પશ્ચિમ ઝોનના સત્તાવાળાઓ સીજી રોડની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે વધુ ગંભીર હશે. અગાઉ ફોર વ્હીલરોનાં પૈડાં માટે સૌથી વધુ તાળાં સત્તાવાળાઓ ખરીદી ચૂકયાં છે. અલબત્ત આ તાળાં ઉપયોગમાં લેવાતાં ન હોઇ જે તેે મ્યુનિસિપલ ઓફિસમાં ધૂળ ખાતાં પડયાં છે. આ તાળાંઓને આગામી સોમવારથી અસરકારક રીતે ઉપયોગમાં લેવાશે તેમ પણ મ્યુનિસિપલ સૂત્રો વધુમાં જણાવે છે.

દરમિયાન આ અંગે પશ્ચિમ ઝોનના એસ્ટેટ ઓફિસર રાજેન્દ્ર જાધવને પૂછતાં તેઓ કહે છે સીજી રોડ પર ટ્રાફિક પોલીસના સહયોગથી આડેધડ પાર્ક કરાતાં વાહનો સામે ઝુંબેશ ચાલી રહી છે. જોકે કેટલાં વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરાઇ છે તેની મને જાણ નથી.

You might also like