1995 પછી 25 કરોડના ‘મેક ઓવર’ બાદ નવા રંગરૂપમાં દેખાશે C G Road

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ચિમનલાલ ગીરધરલાલ રોડ ઉર્ફે સીજી રોડનું બે દાયકાથી વધુ સમય બાદ આશરે રૂ.રપ કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. હાલના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને તંત્રે બનાવાયેલી ડિઝાઇનમાં અત્યારે મ્યુુનિસિપલ માર્કેટનો સમાવેશ કરાયો નથી.

તંત્ર દ્વારા ગત વર્ષ ૧૯૯પમાં સૌપ્રથમ વાર સીજી રોડને ડિઝાઇન કરાયો હતો. આજે સીજી રોડ શહેરનો મુખ્ય કોમર્શિયલ રોડ બનવાની સાથે સાથે અમદાવાદની ઓળખ ગણાય છે. બીજી તરફ ર૩ વર્ષના ઉપયોગ પછી સીજી રોડ પરની નવી બનેલી હાઇરાઇઝ બિલ્ડિંગ, વધેલા ટ્રાફિકને જોતાં તેની કાયાપલટ કરવાની જરૂર ઊભી થઇ છે. જોકે સત્તાવાળાઓએ તેની ડિઝાઇનમાં અવારનવાર ફેરફાર કર્યા બાદ હવે તેને અંતિમરૂપ આપ્યું છે.

અત્યારે સીજી રોડના ડિઝાઇન કરેલા ભાગમાં સ્ટેડિયમ છ રસ્તાથી પંચવટી સુધીનો સમાવેશ થાય છે., જેની કુલ લંબાઇ બે કિ.મી.ની છે. જયારે નવી ડિઝાઇનમાં આશરે ત્રણ કિ.મી.ની. લંબાઇ ધરાવતા સ્ટેડિયમ અન્ડરપાસથી પરિમલ અન્ડરપાસ સુુધીના રોડનો સમાવેશ કરાયો છે.

સીજી રોડનાં નવીનીકરણ પ્રોજેકટ હેઠળ ફોર વ્હિલરને પેડેસ્ટ્રિયન વોકવેની આગળ હારબંધ પાર્ક કરાશે. રાહદારીઓ માટે ચાલવાની જગ્યામાં વધારો કરાશે. રાહદારીઓનાે માર્ગ ર.૪ મીટરથી વધારીને ત્રણ મીટરનો કરાશે. કાળા પથ્થર (કોબલ્ડ પેટર્ન)નો ઉપયોગ કરીને બનાવાયેલી સમતળ ફર્શ રાહદારીઓને ચાલવાનો આનંદ અપાવશે.

પેવર બ્લોકસથી બનાવેલું અને રોડથી ઉપસાવેલું પેડેસ્ટ્રિયન ક્રોસિંગ (સ્પીડ ટેબ્લેટ્સ) રાહદારીઓની સલામતીમાં વૃદ્ધિ કરાશે. રાહદારીઅો માટે ચોકકસ અંતર પર શેડિંગ કેનોપી બનાવીને સમગ્ર સીજી રોડને અનોખું રૂપ અપાશે. આ પ્રોજેકટ સીજી રોડ અને તેને જોડતી

આસપાસની ગલીઓમાં ૧૦૦ મીટર સુધી પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટને સરળ બનાવશે. ફોર વ્હીલર પાર્કિંગને વ્યવસ્થિત અને સરળ બનાવવાની સાથે સાથે ટુ વ્હીલર અને સાઇકલ પાર્કિંગની જગ્યામાં પણ વધારો કરાશે. તેમજ અંગત મિલકતધારકોના પ્રવેશને જાળવી રાખવી આવનજાવનને સુગમ બનાવાશે.

રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષા અને સલામતી વધારવા સિન્ક્રોનાઇઝડ સિગ્નલ સિસ્ટમ ધરાવતી આઇટી ટેકનોલોજી ઉપયોગમાં લેવાશે. કાર્યક્ષમ પાર્કિંગ મેનેજમેન્ટ માટે પણ આઇટી ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. સીજી રોડના તમામ મુખ્ય ક્રોસ રોડ પર સર્વેલન્સ કેમેરા અને સિન્ક્રોનાઇઝડ સિગ્નલ સિસ્ટમ મૂકીને ટ્રાફિકની અવરજવરને સરળ બનાવાશે.

શહેરની ગરમ આબોહવાને ધ્યાનમાં રાખીને આ પ્રોજેકટમાં તમામ હયાત ઝાડને જાળવી રાખીને નવા વૃક્ષ વાવીને સીજી રોડની બંને તરફ વૃક્ષની હાળમાળા કરીને લીલોતરીમાં વૃદ્ધિ કરાશે. તેમ જણાવતાં આધારભૂત વર્તુળો વધુમાં કહે છે કે ગઇ કાલે આ પ્રોજેકટના ટેન્ડર તંત્રની વેબસાઇટ પર મુકાયાં હોઇ આગામી તા.ર૯મેએ પ્રિબીડ મિટિંગ સહિતની પ્રક્રિયાના અંતે આગામી તા.૮ જૂને ટેન્ડર ખૂલશે. ત્યાર બાદ તંત્રની ઇચ્છાનુસાર ૧૦૦થી ર૦૦ મીટરના પટ્ટા પર પાઇલટ પ્રોજેકટ શરૂ કરીને તે અંગે અમદાવાદીઓનો અભિપ્રાય લેવાશે.

You might also like