સીજીરોડ પર બેન્કની બહાર કેશ વાનમાંથી ૧૫ લાખની ચોરી

અમદાવાદ: સીજીરોડ પર આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ બહારથી કેશ વાનમાંથી ડ્રાઇવર સીટમાં પડેલા રૂ.૧પ લાખના બે થેલામાંથી એક થેલાની કોઇ અજાણ્યો શખસ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ ગોમતીપુરમાં રહેતા સુરપાલસિંહ દલપતસિંહ ચૌહાણ પ્રિમિયમ વિજિલન્સ એન્ડ સિક્યો‌િરટી પ્રાઇવેટ કંપનીમાં કસ્ટો‌િડયન તરીકે નોકરી કરે છે. તેમની સાથે ચિરાગ માન‌િસંગભાઇ રાજપૂત લોડર તરીકે, રાજવીરસિંગ તોમર અને અનિરુદ્ધસિંહ વાઘેલા ગનમેન તરીકે તેમજ રાહુલકુમાર પરમાર ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે.

ગઇ કાલે બપોરે બારેક વાગ્યાની આસપાસ ચિરાગ રાજપૂત અને ડ્રાઇવર રાહુલ બેન્કની કરન્સી ચેસ્ટમાં ગયા હતા અને દૂધેશ્વર, ઓઢવ, નિકોલ અને વસ્ત્રાલની બ્રાન્ચમાં ડિલિવરી કરવા રૂ. ૧૫-૧૫ લાખ ભરેલા ચાર થેલા હતા, તેમજ ચલણી સિક્કાઓની પ્લાસ્ટિકની થેલીઓ હતી.

બે થેલા અને સિક્કા ભરેલી પ્લાસ્ટિકની પાંચ થેલીઓ કેશ વાનમાં પરત મૂકી ચિરાગ બેન્કની ચેસ્ટમાં પરત ફરતાં ડ્રાઇવર રાહુલ પરમાર એ થેલા અને સિક્કાની થેલીઓ લઇ સામે મળ્યા હતા. બાદમાં બંને બેન્કની ચેસ્ટમાંથી કેશ વાનમાં આવી ચલણી સિક્કાઓની થેલીઓ કેશ વાનમાં મૂકી હતી અને બ્રાન્ચમાં પૈસા પહોંચાડવા નીકળ્યા હતા, પરંતુ વાનમાં ચેક કરતાં પાછળના ભાગે ચલણી નોટોના બે થેલા ન જોવા મળતાં તે બાબતે ડ્રાઇવર રાહુલને પૂછતાં ડ્રાઇવર સીટની આગળ બે થેલા મૂક્યા હતા.

ડ્રાઇવર સીટની આગળ તપાસ કરતાં ૧પ-૧૫ લાખ ભરેલા બે થેલામાંથી એક થેલો ગાયબ હતો, જેથી આ અંગે ચિરાગે તેમના કસ્ટો‌ડોયન સુરપાલસિંહ અને કંપનીમાં જાણ કરતાં તેઓ પણ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ નવરંગપુરા પોલીસને કરાતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

રૂ.૧પ લાખની કેશ વાનમાંથી ચોરી મામલે કંપનીનો જ કોઇ કર્મચારી સંડોવાયેલો હોવાની પોલીસને શંકા છે. ભૂતકાળમાં પણ કેશ વાનમાંથી ચોરીના બનાવોમાં કંપનીમાં નોકરી કરતા કર્મચારી અથવા પૂર્વ કર્મચારીની સંડોવણી બહાર આવી છે, જેના પગલે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. બીજી તરફ રોડ પર લાગેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ શરૂ કરી છે.

નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર અાર.વી. દેસાઈએ જણાવ્યું હતું કે ગઈ કાલે રાત્રે અા અંગે ફરિયાદ નોંધાઈ છે. કંપનીના કર્મચારીઓ તેમજ ડ્રાઈવર પણ શંકાના ઘેરામાં છે. અા અંગે હવે તપાસ શરૂ કરવામાં અાવશે અને કંપનીના કર્મચારીઓ, ડ્રાઈવર, લોડર તેમજ અન્ય માણસોના નિવેદન લઈ અને પૂછપરછ કરવામાં અાવશે.
http://sambhaavnews.com/

You might also like