સી.જી. રોડ પરની આંગડિયા પેઢીના કર્મચારીએ ત્રીજા માળેથી પડતું મૂકયું

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં સી.જી. રોડ પર આવેલા ઈસ્કોન આર્કેડ કોમ્પ્લેક્સના ત્રીજા માળેથી ગઈ કાલે મોડી સાંજે આંગડિયા પેઢીના કર્મીએ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માત મોત નોંધી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી આ અંગેની મળતી માહિતી મુજબ ચાંદલોડિયા વિશ્વકર્મા મંદિર સામે આવેલા સિરિલ લાઈફ સ્ટાઈલ એપાર્ટમેન્ટમાં પ્રવીણભાઈ લાલજીભાઈ ઠક્કર પોતાના પરિવાર સાથે રહેતા હતા. પ્રવીણભાઈ નવરંગપુરા સી.જી. રોડ પર ઈસ્કોન આર્કેટ કોમ્પ્લેક્સમાં આવેલી એક આંગડિયા પેઢીની ઓફિસમાં નોકરી કરતા હતા. ગઈ કાલે સાંજે ૬.૩૦ની આસપાસ કોમ્પ્લેક્સ બહાર મોટો અવાજ આવતાં કોમ્પ્લેક્સના લોકો દોડી આવ્યા હતા.

ઘટના સ્થળ પર જોતાં આંગડિયા પેઢીમાં કામ કરતા પ્રવીણભાઈએ ત્રીજા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ પોલીસને કરતાં નવરંગપુરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમના પરિવારજનોને જાણ કરાતાં તેઓ પણ ત્યાં દોડી ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ કોઈ અગમ્ય કારણોસર તેઓએ પડતું મૂકી આત્મહત્યા કરી છે. હાલમાં અકસ્માતે મોત નોંધી લોકોનાં નિવેદન નોંધ્યા બાદ તેઓની આત્મહત્યાનું કારણ જાણવા મળશે.
http://sambhaavnews.com/

You might also like