મેડિકલમાં પ્રવેશઃ સુરતના 79 વિદ્યાર્થીનાં સર્ટિફિકેટ શંકાસ્પદ

અમદાવાદ: મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે ડોમિસાઈલ સર્ટિફિકેટને લઈને થયેલા વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં ડોમિસાઈલ સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. પરંતુ વિદ્યાર્થીઓએ શંકાસ્પદ ડોમિસાઈલ સર્ટિફિકેટ રજૂ કર્યાં હોવાની ફરિયાદો બાદ એક કમિટીની રચના કરાઈ હતી. જેમાં ૬૪૫ ડોમિસાઈલ સર્ટિફિકેટની ફરી ચકાસણી
કરાઈ છે.

કમિટીએ ૬૪૫ ડોમિસાઈલની ચકાસણી કરી તેનાં ૭૯ સર્ટિફિકેટ શંકાસ્પદ હોવાનું અને ૫૧૮ સાચાં હોવાનું બહાર આવ્યું છે. કમિટી સમક્ષ ૨૪ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. આજે તપાસ કમિટી આ અંગે િરપોર્ટ સરકારમાં રજૂ કરશે. જ્યારે અમદાવાદની કમિટીએ ૭૦૦ ડોમિસાઈલની ચકાસણી કરી હતી તેમાં કોઇ પણ શંકાસ્પદ કેસ જણાયો નથી.

મેડિકલ ક્વોટામાં એડમિશન માટે ફરજિયાત એવાં ડોમિસાઈલ સર્ટિફિકેટ બોગસ અપાયાં હોવાનું કૌભાંડ બહાર આવતાં સરકારે સુરતમાં તપાસ કમિટીની નિમણૂક કરી હતી.

કમિટીએ તમામ ડોમિસાઈલની ઊલટતપાસ કરી હતી. જે બે દિવસ ચાલી હતી. િવદ્યાર્થીઓને તેમને ઈસ્યૂ કરાયેલાં ડોમિસાઈલ સર્ટિફિકેટની સાથે જરૂરી પુરાવા સાથે હાજર થવા જણાવાયું હતું પરંતુ કમિટી સમક્ષ ૨૪ વિદ્યાર્થી હાજર રહ્યા હતા. તમામ સર્ટિફિકેટનું ક્રોસ વેરિફિકેશન કરાયા બાદ ૫૧૮ સર્ટિફિકેટ સાચાં જણાયાં છે. જ્યારે ૭૯ સર્ટિફિકેટ શંકાસ્પદ જણાયાં હોવાના કારણે કમિટી તમામ પુરાવાની ઊલટતપાસ સાથે આજે સરકારને તેનો રિપોર્ટ મોકલશે.

ડોમિસાઈલની ચકાસણી માટે સરકારના ગૃહવિભાગે એક ઠરાવ કર્યો હતો અને તે મુજબ ચાર સભ્યની કમિટીનું ગઠન કરાયું હતું. ડોમિસાઈલ અંગે નિવેડો ન આવે ત્યાં સુધી એડમિશન પ્રક્રિયા હાલમાં સ્થગિત કરાઈ છે. આવા ડ઼ોમિસાઈલ સર્ટિફિકેટ સુરત પૂરતાં જ સીમિત નહીં રહેતાં વડોદરા, અમદાવાદ શહેરમાંથી પણ ઈસ્યૂ થયાં હોવાની આશંકા સેવાઈ હતી.

સ્ટેટ કવોટા માટે ૪૭૭૫ કોપી સાઈટની ચકાસણીના આદેશ હાઈકોર્ટે આપ્યા છે. હાલમાં આ કામગીરી ચાલુ હોઈને આજ સાંજ સુધીમાં કમિટી સરકારને તેનો રિપોર્ટ રજૂ કરશે.

You might also like