સેન્ચુરી ટાવરમાં લૂંટ: લૂંટારુઓએ ભાગવા રિક્ષાનો ઉપયોગ કર્યો હતો

અમદાવાદ: શહેરના એસજી હાઇવે પર આવેલા સેન્ચુરી ટાવરમાં મહિલાને બંધક બનાવી ઘરઘાટી પતિ-પત્ની અને અન્ય શખસ દ્વારા રૂ. ૯ લાખની મતાની લૂંટના મામલે પોલીસ તપાસમાં જણાયું છે કે આરોપીઓએ ભાગવા માટે રિક્ષાનો ઉપયોગ કર્યો હતો. આરોપી બે શખસોએ ફરિયાદી મહિલાને બાંધી દીધી ત્યારે આરોપી મહિલા નીચે રિક્ષા બોલાવવા ગઇ હતી અને રિક્ષાચાલકને નીચે ઊભા રહેવાનું જણાવી ઘરમાંથી બેગ લઇ ફરાર થઇ ગયા હતા. પોલીસે હાલ રિક્ષા નંબરના આધારે રિક્ષાચાલકની પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

એસજી હાઇવે પર આવેલી ગ્રાન્ડ ભગવતી હોટલ નજીક સેન્ચુરી ટાવરમાં રહેતાં રશ્મિબહેન ગુપ્તાને ત્યાં ત્રણ મહિનાથી કામ કરતા સુનીલ અને તેની પત્ની કંચન તેમજ અજાણ્યા શખસે રૂ. ૯.૪૨ લાખની લૂંટ કરી હતી. લૂંટ સમયે ત્રણેય ઘરમાં હાજર હતાં. રશ્મિબહેનના હાથ-પગ બાંધી દીધા બાદ તેઓ પર નજર રાખવા માટે એક વ્યક્તિ રોકાઇ હતી. સુનીલની પત્ની કંચન દરમિયાનમાં નીચે જઇ ભાગવા માટે રિક્ષા બોલાવવા ગઇ હતી. રિક્ષા લઇને આવ્યા બાદ કુલ રૂ. ૯.૪૨ લાખની મતા એક બેગમાં ભરી રિક્ષામાં બેસી તેઓ ફરાર થઇ ગયા હતા.

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ દ્વારા લૂંટ બાદ નાસી જવા રિક્ષાચાલકને બોલાવી નીચે ઊભો રાખ્યો હતો. ત્યાર બાદ તેઓ રિક્ષામાં બેસી ફરાર થઇ ગયા હતા. રિક્ષા નંબરના આધારે હાલ રિક્ષાચાલકને શોધી તેની પૂછપરછ કરવામાં આવી હતી.
http://sambhaavnews.com/

You might also like