રાજ્ય સરકારને તુવેર-અડદની દાળ આપશે કેન્દ્ર સરકાર

નવી દિલ્હી : દાળના છુટક ભાવ જ્યા આસમાને પહોંચી ગયા છે, એવામાં કેન્દ્ર સરકાર રાજ્યોને રિટેલ વેચાણ માટે 10 હજાર ટન તુવેર અને અડદની દાળ આપશે. કેન્દ્ર તરફથી રાજ્યોને મળનારી દાળનું વેચાણ મહત્તમ 120 રૂપિયે કિલોએ કરી શકાશે. કેન્દ્ર સરકારે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે સરકાર 10,000 ટન દળયા વગરની આખી તુવેર દાળ 66 રૂપિયામાં અને આખી અડદની દાળ 82 રૂપિયાના ભાવે આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યોએ તેને મહત્તમ 120 રૂપિયાના છૂટક મૂલ્ય પર વેચાણ કરવું પડશે.

કેન્દ્રએ રાજ્ય સરકારને કહ્યું છે કે તેઓ તુવેર અને અડદ દાળ માટે પોતાની જરૂરિયાત ઝડપથી જણાવે. એટલે કેન્દ્ર સરકાર તેને સમયસર રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડી શકાય. કેન્દ્ર સરકારે સ્થાનિક માર્કેટમાંથી ખરીદીને 50 હજાર ટન દાળનો સ્ટોક તૈયાર કર્યો છે. તે સિવાય 26 હજાર ટન તુવેર અને અડદ દાળને આયાત કરવા કરાર પણ કર્યો છે. સત્તાવાર માહિતી મુજબ અડદનો છુટક ભાવ 195 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેવી જ રીતે તુવેર દાળ 160 રૂપિયે મળી રહી છે.

You might also like