સરકાર સુપ્રિમ કોર્ટમાં રજૂ કરશે રોહિંગ્યા મુસ્લિમો અંગે સોગંદનામું

કેન્દ્ર સરકાર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરી રોહિંગ્યા મુસ્લિમોને પરત મ્યાનમાર મોકલવાની યોજનાનો ખુલાસો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે એક સમારોહમાં જાણકારી આપી. રાજનાથસિંહે કહ્યું કે,”સરકાર 18મી સપ્ટેમ્બરે આ મામલે સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરશે.” ભારતમાં રહેનાર રોહિંગ્યા મુસ્લિમોનાં ભવિષ્યને લઇ સુપ્રિમ કોર્ટે સરકારને પોતાની રણનીતિ બનાવવા કહ્યું હતું. સરકાર દ્વારા રોહિંગ્યા મુસ્લિમોને મ્યાનમાર પરત મોકલવાનાં નિર્ણયની અરજીને જોતાં કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે.

રોહિંગ્યા શરણાર્થીઓ મોહમ્મદ સલીમુલ્લાહ અને મોહમ્મદ શાકિર દ્વારા રજૂ કરાયેલ અરજીમાં રોહિંગ્યા મુસ્લિમોને મ્યાનમાર પરત મોકલવાની સરકારની યોજનાને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર નિયમોનું ઉલ્લંઘન દર્શાવેલ છે. અરજી કરનાર બંને લોકો ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી હાઇ કમિશનમાં રજિસ્ટર્ડ છે. એમની એવી દલિલ છે કે મ્યાનમારમાં રોહિંગ્યા સમુદાયનાં વિરૂદ્ધ થયેલ હિંસાને કારણે તેમને ભારતનો આશરો લેવો પડ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા ગયા જુલાઇ મહિનામાં રોહિંગ્યા સમુદાયનાં અવૈધ અપ્રવાસીઓને ભારતથી પરત મ્યાનમાર મોકલવા માટે રાજ્ય સરકારોને આની ઓળખ કરવાનાં નિર્દેશ બાદ આ મુ્દ્દો એક ચર્ચાનો વિષય બન્યો હતો. સરકારે પોતાનાં નિર્ણયને અડીબદ્ધ રાખ્યા બાદ કોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી હતી.

You might also like