વિજયાદશમી પર ભાગવત બોલ્યાઃ રામ મંદિર માટે સરકાર કાયદો લાવે

નાગપુર: આજે વિજયાદશમી પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડામથક નાગપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંઘના સુપ્રીમો મોહન ભાગવતે જણાવ્યું હતું કે કોઇ પણ રસ્તો અપનાવીને રામમંદિરનું નિર્માણ થવું જરૂરી છે. આ માટે સરકારે કાયદો લાવવો જોઇએ.

મોહન ભાગવતે માઓવાદીઓ સામે નિશાન તાકતાં જણાવ્યું હતું કે માઓવાદ હંમેેશાં અર્બન જ રહ્યો છે અને કેટલાક લોકો બંદૂકની તાકાત પર સત્તા કબજે કરવા માગે છે. આ લોકો સમાજના ઉપે‌િક્ષત વર્ગનો ફાયદો ઉઠાવે છે. જે વિદ્યાર્થીઓ પાસે સુવિધા નથી તેમને ભડકાવે છે. તેમણે જણાવ્યું હતું કે જે લોકો ભારત તારા ટુકડા થશે એવા નારા લગાવે છે તેઓ આતંકવાદીઓ સાથે કનેક્શન ધરાવે છે.

નાગપુરમાં યોજાઇ રહેલા આ કાર્યક્રમમાં સંઘના પ્રમુખ મોહન ભાગવતની સાથે નોબેલ પારિતોષિક વિજેતા કૈલાસ વિદ્યાર્થી પણ ઉપસ્થિત રહ્યા હતા. મોહન ભાગવતે જણાવ્યું હતું કે જો ભારત પંચામૃતના મંત્ર પર આગળ વધશે તો ફરી એક વાર વિશ્વગુરુ બની શકશે. એક ભયાનક આંધી બાબરરૂપે આવી હતી અને બાબરની આંધીએ આપણા દેશના હિંદુ અને મુસલમાનોને પણ છોડ્યા નહીં અને તેની નીચે સમાજ કચડાવા લાગ્યો.

ભાગવતે જણાવ્યું હતું કે આપણા દેશમાં રાજનીતિને લઇને અનેક પ્રયોગો થયા છે. મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના આધારે રાજનીતિની કલ્પના કરી હતી. આ નૈતિક બળના કારણે જ દેશ અંગ્રેજો વિરુદ્ધ સંગઠિત થયો હતો. તેમણે જણાવ્યું હતું કે આજે પણ દેશમાં અનેક પ્રકારની ચિંતા છે. આ દરમિયાન કેટલીક તાકાતો દેશને અંદરથી ખોખલો કરવા માગે છે અને કેટલાક લોકો પોતાના અંગત કારણસર આ શકિતઓ સાથે જોડાઇ જાય છે. આ લોકોએ આ કારણો દૂર કરવા જોઇએ.

આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન ની‌િતન ગડકરી અને મશહૂર ગાયક ઉસ્તાદ રશીદખાન પણ હાજર રહ્યા હતા. મોહન ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે અમે કોઇની સાથે શત્રુતા કરતા નથી, પરંતુ અમારી સાથે શત્રુતા કરનારા ઘણા લોકો છે. તેમની સામે બચાવ કરવાનો ઉપાય તો અમારે શોધવો જ પડશે.

આવા લોકોથી બચવાનો એક માત્ર ઉપાય અે છે કે આપણે એટલા બળવાન બનીએ કે કોઇની આપણા પર આક્રમણ કરવાની હિંમત જ ન થાય તો જ દુનિયામાં શાંતિ થશે અને આપણે ત્યાં પણ શાંતિ બની રહેશે. ભારતીય જવાનોની હિંમત વધારાતાં ભાગવતે જણાવ્યું હતું કે આપણી સુરક્ષા માટે જે સરહદે બંદૂક તાકીને ઊભા છે તેમના પરિવારની સુરક્ષા કરવાની આપણી જવાબદારી છે.

પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાનમાં સરકાર તો બદલાઇ ગઇ, પરંતુ તેમની નિયત બદલાઇ નથી. ભાગવતે જણાવ્યું હતું કે સુરક્ષાના ક્ષેત્રમાં આપણે સ્વાવલંબી બનવાની જરૂર છે. સરહદની લડાઇ આંતરિક સુરક્ષા પર નિર્ભર હોય છે. સબરીમાલાના મુદ્દે મોહન ભાગવતે જણાવ્યું હતું કે સ્ત્રી-પુરુષની સમાનતા એ સારી વાત છે, પરંતુ વર્ષોથી ચાલતી આવતી પરંપરાનો આદર કરવામાં આવ્યો નથી.

મોહન ભાગવતે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળથી લઇને હિંદ મહાસાગર સુધી એવા કેટલાય દ્વીપ છે, જે વ્યૂહાત્મક દૃષ્ટિએ ઘણા મહત્ત્વપૂર્ણ છે અને આવા તમામ દ્વીપની નાકાબંધી થવી જોઇએ. તેમણે ચીનનો નામોલ્લેખ કર્યા વગર નિશાન તાકતાં જણાવ્યું કે કેટલીક શકિતઅો માલદીવ અને શ્રીલંકાને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી રહી છે.

You might also like