ડોર ટુ ડોરના કૌભાંડીઓને છાવરવા માટે સેન્ટ્રલાઇઝ્ડ કમ્પ્લેન નંબર શરૂ કરાતો નથી

અમદાવાદ: અગાઉની ‌ડોર ટુ ડોરની સિસ્ટમમાં અનેક બૂમ ઊઠતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ડોર ટુ ડોરના કોન્ટ્રાકટરોને બમણો ભાવ ચૂકવીને નવી સિસ્ટમ અપનાવી છે. જો કે નાગરિકોને દર વર્ષે રૂ.૧૦૦ કરોડનો ખર્ચ ધરાવતી નવી સિસ્ટમ પણ લેશમાત્ર સંતોષ અપાવી શકી નથી.

ખુદ કમિશનર મૂકેશકુમાર ડોર ટુ ડોરની કામગીરીથી ખફા હોઇ તેનું થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરાવવાના છે. તેમ છતાં ખાટલે મોટી ખોડ છે કે ઇ-ગવર્નન્સનાં ઢોલ નગારાં પીટનારા સત્તાધીશો ડોર ટુ ડોરની ફરિયાદ માટે હજુ સુધી એક સેન્ટ્રલાઇઝડ કમ્પ્લેન નંબર શરૂ કરી શકયા નથી. આમાં ડોર ટુ ડોરના કૌભાંડી કોન્ટ્રાકટરને છાવરવાનો પ્રયાસ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

ડોર ટુ ડોરની નવી સિસ્ટમ હેઠળ શાસકોએ સૂકો અને ભીનો કચરો અલગ કરીને કોન્ટ્રાક્ટરની કચરાની ગાડી લઇ જશે તેવા બણગાં ફૂંક્યાં હતાં. ‘ઝીરો વેસ્ટ અમદાવાદ’ના સોનેરી સૂત્ર હેઠળ શરૂ કરાયેલી આ નવી સિસ્ટમ તેના પ્રારંભ પહેલાં એક અથવા બીજા વિવાદમાં સપડાઇ હતી. પરંતુ કચરામાંથી કંચન પેદા કરવાની કુનેહ ધરાવતા ભ્રષ્ટ અધિકારીઓને કારણે આજે પણ કોન્ટ્રાક્ટરોની મનમાનીથી લોકો ત્રસ્ત છે.

તાજેતરમાં પાલડી વોર્ડમાં મેયર ગૌતમ શાહની અધ્યક્ષતામાં વોર્ડના પ્રશ્નોના નિરાકરણ માટે સ્થાનિક કોર્પોરેટરો અને ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી તેમાં પણ ડોર ટુ ડોર કચરાને લગતી ફરિયાદના ઢગલા થયા હતા. દર ગુરુવારે મળનારી સ્ટેન્ડિગ કમિટીમાં સભ્યો ડોર ટુ ડોરની કામગીરી સામે વારંવાર ઉગ્ર અસંતોષ વ્યક્ત કરે છે. હેલ્થ કમિટીની બેઠકમાં પણ સભ્યો બળાપો ઠાલવે છે.

તેમ છતાં ડોર ટુ ડોરના કેટલાક કોન્ટ્રાક્ટર રીતસરની વેઠ ઉતારી રહ્યા છે. પહેલાની જૂની સિસ્ટમમાં જે તે કચરાની ગાડી પર કોન્ટ્રાકટરનું નામ તેમજ કમ્પ્લેન નંબર પર લખાતા હતા. હવે ઓછી કામગીરીમાં બમણો ભાવ મેળવતા એક પણ કોન્ટ્રાક્ટરની એક પણ કચરાની ગાડી પર કમ્પ્લેન નંબર લખેલા નથી.

આજે ઝોન દીઠ બે-બે કોન્ટ્રાક્ટર છે અને દરેક કોન્ટ્રાક્ટરને ચાર-ચાર વોર્ડ ફાળવ્યા છે પરંતુ ક્યાં કોન્ટ્રક્ટરનું લશ્કર કયાં લડે છે એટલે કે કયાંથી કચરો ઉપાડે છે તેનાથી સ્થાનિક કોર્પોરેટરો અંધારામાં છે !

તંત્રની સીસીઆરએસ સિસ્ટમનો જનરલ ફોન નંબર ૧પપ૩૦૩ પર જે તે નાગરિક ડોર ટુ ડોરની અનિયમિતતા અંગે ફરિયાદ કરી શકે છે. તેમાં પણ ફરિયાદનો નિકાલ કરાયા વગર બારોબાર તેને બંધ કરી દેવાતી હોવાની પણ ફરિયાદ ઊઠે છે.

આ સંજોગો અલગ જ સેન્ટ્રલાઇઝડ કમ્પ્લેન નંબર ખાસ જરૂર છે આ ઉપરાંત સઘળા કોન્ટ્રાક્ટરને કચરાની ગાડી પર પોતાના વિસ્તારની ફરિયાદ નોંધવા ફોન નંબર લખવાની પણ તંત્ર ફરજ પાડવી જોઇએ.

You might also like