કેન્દ્ર સરકાર ૧૪ મેગા નેશનલ એમ્પ્લોઈમેન્ટ ઝોનની કરશે રચના

નવી દિલ્હીઃ રોજગાર મોરચે સતત ચોમેરથી ટીકાનો સામનો કરી રહેલ કેન્દ્રની મોદી સરકાર આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે એક મોટી યોજના શરૂ કરવા જઇ રહી છે. આ યોજના હેઠળ રૂ.એક લાખ કરોડના ખર્ચે દેશભરમાં ૧૪ મોટા રાષ્ટ્રીય રોજગાર ઝોન એટલે કે મેગા નેશનલ એમ્પ્લોઇમેન્ટ ઝોનની સ્થાપના કરશે. આ યોજનાનો હેતુ આગામી ત્રણ વર્ષમાં દેશનાં એક કરોડ યુવાનોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગાર ઉપલબ્ધ કરાવવાનો છે.

નીતિ આયોગની મદદથી શિ‌પિંગ મંત્રાલય આ યોજનાને આખરી ઓપ આપી રહ્યું છે. શિપિંગ મંત્રાલયે ૧૪ મેગા નેશનલ એમ્પ્લોઇમેન્ટ ઝોનની સ્થાપના સ્પેશિયલ પર્પઝ વ્હિકલ રૂટ હેઠળ તટીય રાજ્યોમાં કરશે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આ વિસ્તારોમાં પરંપરાગત રીતે શ્રમિક આધારિત વસ્ત્ર, ચર્મ અને રત્ન-ઝવેરાત જેવા ક્ષેત્રો ઉપરાંત ફૂડ, સિમેન્ટ, ફર્નિચર, ઇલેકટ્રોનિકસ જેવા ક્ષેત્રોનાં ૩પ ઇન્ડસ્ટ્રીયલ કલસ્ટર્સ ઊભા કરવામાં આવશે.

સૂત્રોએ પોતાની ઓળખ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું છે કે શિપિંગ મંત્રાલયે આ પ્રસ્તાવની મંજૂરી માટે એકસપેન્ડિચર ફાઇનાન્સ કમિટીને એક નોંધ મોકલી આપી છે. ત્યાર બાદ મંત્રાલયો વચ્ચે પરામર્શ કરવા એક કેબિનેટ નોટ જારી કરવામાં આવશે. આ યોજનાનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર સરખા ભાગે વહન કરશે. રાજ્ય સરકારે ઓછામાં ઓછા ર,૦૦૦ એકરનો એક પ્લોટ આપવો પડશે.

You might also like